IND vs NZ / આગામી ODI સિરીઝમાં પણ ચાલશે વિરાટ કોહલીનું બેટ, ન્યુઝીલેન્ડ સામે ખૂબ જ સારો છે રેકોર્ડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થવાની છે. આ સિરીઝમાં ભારતનો અનુભવી અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી રમતો જોવા મળશે. કોહલી હાલમાં ઉત્તમ ફોર્મમાં છે. તેણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝથી લઈને વિજય હજારે ટ્રોફી સુધી દરેક જગ્યાએ ઘણા રન બનાવ્યા છે. તેથી, તે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે. આજે અમે તમને જણાવીશું કે વિરાટે અત્યાર સુધી ન્યુઝીલેન્ડ સામે ODIમાં કેવું પ્રદર્શન કર્યું છે.
ન્યુઝીલેન્ડ સામે વિરાટનો ODI રેકોર્ડ શું છે?
ન્યુઝીલેન્ડ સામે ODIમાં વિરાટ કોહલીના રેકોર્ડની વાત કરીએ તો, તેણે કિવી ટીમ સામે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેણે આ ફોર્મેટમાં આ ટીમ સામે કુલ 38 મેચ રમી છે, જેમાં 38 ઈનિંગ્સમાં 55.23ની એવરેજથી 1657 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 6 સદી અને 9 અડધી સદી ફટકારી છે. આ ટીમ સામે તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 154 રન છે. વિરાટ આગામી સિરીઝમાં સારું પ્રદર્શન કરીને આ રેકોર્ડ વધુ સારો બનાવવાનો પ્રયાસ કરશે.
વિરાટ કોહલીનું તાજેતરમાં ODIમાં પ્રદર્શન
વિરાટે ટેસ્ટ અને T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. હવે તે ફક્ત ODI અને IPLમાં જ રમે છે, જોકે તે હમણાં ઘરેલુ ક્રિકેટમાં પણ પરત ફર્યો છે. તેણે ડિસેમ્બર 2025માં સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ રમી હતી. જેમાં તેણે 3 ઈનિંગ્સમાં 302 રન બનાવ્યા હતા, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. સાઉથ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં તે 65 રન બનાવીને અણનમ રહ્યો હતો. તે પછી તે વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો, જ્યાં તેણે આંધ્રા ટીમની સામે સદી અને ગુજરાત સામે અડધી સદી પણ ફટકારી હતી.
ભારત vs ન્યુઝીલેન્ડ ODI સિરીઝનું શેડ્યૂલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝના શેડ્યૂલ વિશે વાત કરીએ તો પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ વડોદરાના કોટમ્બી ખાતે રમાશે. ત્યારબાદ બંને ટીમો બીજી ODI માટે રાજકોટ જશે, જ્યાં મેચ 14 જાન્યુઆરીએ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી મેચ 18 જાન્યુઆરીએ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. આ પછી, બંને ટીમો 21 જાન્યુઆરીથી શરૂ થતી 5 મેચની T20I સિરીઝમાં રમશે. આ સિરીઝ માટે પણ ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે.

