'તે હાર્દિક પંડ્યાનો વિકલ્પ કેવી રીતે...', શ્રીકાંતે ODI ટીમમાં આ ખેલાડીને સામેલ કરવા પર ઉઠાવ્યા સવાલ

11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થતી ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ભારતના ભૂતપૂર્વ ઓપનર કૃષ્ણમાચારી શ્રીકાંતે માને છે કે આ સિરીઝ માટે નીતિશ કુમાર રેડ્ડી હાર્દિક પંડ્યાનો આદર્શ વિકલ્પ નથી. પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા શ્રીકાંતે કહ્યું કે હાર્દિક બેટ્સમેન અને બોલર બંને તરીકે ટીમમાં ફિટ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાર્દિકને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. તેથી નીતિશને ટીમમાં તેનો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.
તે પંડ્યાનો વિકલ્પ કેવી રીતે બની શકે?
શ્રીકાંતે કહ્યું, "મને ખબર નથી કે નીતિશ કુમાર રેડ્ડીએ શું કર્યું છે. તેને ઓલરાઉન્ડર તરીકે કેવી રીતે જોવામાં આવી રહ્યો છે? તેને બોલ બિલકુલ આપવામાં નહીં આવે કારણ કે ટીમો તેને દરેક જગ્યાએ ફટકારશે. મને આ તર્ક સમજાતો નથી. તે હાર્દિક પંડ્યાનો વિકલ્પ કેવી રીતે બની શકે? હાર્દિક પંડ્યા ફક્ત બોલર કે બેટ્સમેન તરીકે જ નહીં, પણ ફિલ્ડર તરીકે પણ ટીમમાં રમી શકે છે."
નીતિશે ફક્ત 6 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે
નીતિશે વ્હાઈટ બોલ ક્રિકેટમાં ભારત માટે 2 ODI અને 4 T20I મેચ રમી છે, જેમાં અનુક્રમે 27 અને 90 રન બનાવ્યા છે. તેણે ટીમ ઈન્ડિયા માટે T20Iમાં 3 વિકેટ પણ લીધી છે. તાજેતરમાં, ભારતે આગામી ન્યુઝીલેન્ડ સિરીઝ માટે તેની ODI ટીમની જાહેરાત કરી હતી અને નીતિશનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
નીતિશની લિમિટ
શ્રીકાંતે નીતિશની બોલિંગ મર્યાદાઓ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, "શું નીતિશ કુમાર રેડ્ડી એક પ્યોર બોલર તરીકે ટીમમાં ફિટ થઈ શકે છે? શું તમે તેને સતત 3 કે 4 ઓવર આપી શકશો? ભલે તેને ફક્ત 5 કે 6 ઓવર જ બોલિંગ કરવી પડે, તે કેવી રીતે કરશે? એવી કોઈ શક્યતા નથી."
વિજય હજારે ટ્રોફીમાં પંડ્યા
હાર્દિક પંડ્યા તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે પાંચ મેચની સ્થાનિક T20I સિરીઝમાં રમ્યો હતો અને હાલમાં વિજય હજારે ટ્રોફીમાં બરોડા માટે રમી રહ્યો છે. વિદર્ભ વિરૂદ્ધ તેણે 68 બોલમાં સદી ફટકારી હતી અને પછી 144.56ના સ્ટ્રાઈક રેટથી 92 બોલમાં 133 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થતો હતો.
ન્યુઝીલેન્ડ સામે ભારતની ODI ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), કુલદીપ યાદવ, રોહિત શર્મા, મોહમ્મદ સિરાજ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, હર્ષિત રાણા, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, પ્રસિદ્ધ કૃષ્ણા, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ.

