વિરાટ કોહલીએ પૂરી કરી અનોખી સદી, આવું કરનાર માત્ર બીજો ભારતીય ખેલાડી બન્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ઐતિહાસિક ગાબા મેદાન પર રમાઈ રહી છે. આ મેચમા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ઐતિહાસિક ગાબા મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. રવિચંદ્રન અશ્વિન અને હર્ષિત રાણાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમના બદલે રવિન્દ્ર જાડેજા અને આકાશ દીપને લેવામાં આવ્યા છે. બીજી તરફ સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ અનોખી સદી પૂરી કરી છે. કોહલીએ આ સદી બેટથી નહીં પરંતુ મેચ રમવાના સંદર્ભમાં પૂરી કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ તેની 100મી મેચ છે.
આ પણ વાંચો: IND vs AUS / ગાબા ટેસ્ટ વચ્ચે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા 3 ખેલાડીઓ, BCCIએ અચાનક લીધો નિર્ણય
વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 100 કે તેથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનાર માત્ર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. તેના પહેલા સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે 110 મેચ રમી હતી. 91 મેચ સાથે મહેન્દ્ર સિંહ ધોની આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.
ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ મેચ રમનાર ભારતીય ખેલાડીઓ
- સચિન તેંડુલકર - 110 મેચ
- વિરાટ કોહલી - 100 મેચ
- મહેન્દ્ર સિંહ ધોની - 91 મેચ
- રોહિત શર્મા - 82 મેચ
- રવિન્દ્ર જાડેજા - 73 મેચ
ઓસ્ટ્રેલિયા સામે 5000થી વધુ રન બનાવ્યા
ભારત તરફથી ઓસ્ટ્રેલિયા સામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ વિરાટ કોહલી બીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 5326 રન બનાવ્યા છે જેમાં 17 સદી સામેલ છે. સચિન તેંડુલકર નંબર વન પર છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6707 રન બનાવ્યા છે જેમાં 20 સદી સામેલ છે.
હાલમાં સિરીઝ 1-1થી બરાબર
ત્રીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો માટે ઘણી મહત્ત્વની છે. હાલમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 1-1થી બરાબર છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 295 રને જીતી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ કમબેક કર્યું અને બીજી મેચ 10 વિકેટે જીતી લીધી. હવે જે પણ ટીમ ત્રીજી મેચ જીતશે તેને 2-1ની લીડ મળશે.






