IND vs SA / રોહિત-વિરાટની જોડીએ કર્યું મોટું કારનામું, જયવર્ધને અને સંગાકારાનો રેકોર્ડ તોડ્યો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ODI સિરીઝની પહેલી મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેમણે બીજી વિકેટ માટે 136 રનની પાર્ટનરશિપ કરી હતી. આ પાર્ટનરશિપ સાથે તેમણે શ્રીલંકાના મહેલા જયવર્ધને અને કુમાર સંગાકારાનો એક મોટો રેકોર્ડ તોડ્યો છે. રોહિત અને વિરાટની જોડી હવે ઘરઆંગણે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર જોડી બની ગઈ છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માએ નવો ઈતિહાસ રચ્યો
ઘરઆંગણે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર જોડીની વાત કરીએ તો, વિરાટ અને રોહિતે અત્યાર સુધીમાં 41 ઈનિંગ્સમાં 2667 રન બનાવ્યા છે. અગાઉ આ રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધનેના નામે હતો, જેમણે 57 ઈનિંગ્સમાં 2596 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના જો રૂટ અને ઈયોન મોર્ગન ત્રીજા સ્થાને છે. મોર્ગન અને રૂટે 38 ઈનિંગ્સમાં 2364 રન બનાવ્યા. ભારતના સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગે મળીને ઘરઆંગણે 51 ઈનિંગ્સમાં 2310 રન બનાવ્યા હતા.
ઘરઆંગણે ODIમાં સૌથી વધુ રન બનાવનાર જોડી
- 2667 - વિરાટ કોહલી અને રોહિત શર્મા (41 ઈનિંગ્સ)
- 2596 - કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધને (57 ઈનિંગ્સ)
- 2364 - ઈયોન મોર્ગન અને જો રૂટ (38 ઈનિંગ્સ)
- 2310 - વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર (51 ઈનિંગ્સ)
રોહિત શર્માની અડધી સદી, વિરાટ કોહલીની સદી
રાંચીમાં પ્રથમ ODIની વાત કરીએ તો રોહિત શર્માએ 51 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 57 રનની શાનદાર ઈનિંગ રમી. જેમાં તેની સ્ટ્રાઇક રેટ 111.76ની હતી આ સિવાય વિરાટ કોહલીએ 120 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 135 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ પછી કેએલ રાહુલે પણ અડધી સદી ફટકારીને 56 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ સિવાય રવિન્દ્ર જાડેજાએ 32 રન, યશસ્વી જયસ્વાલે 18 રન, ઋતુરાજ ગાયકવાડે 8 રન અને વોશિંગ્ટન સુંદરે 11 રનનું યોગદાન આપ્યું. 50 ઓવર બાદ ભારતે 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા છે, આ સાથે સાઉથ આફ્રિકાને જીતવા માટે 350 રનનો ટાર્ગેટ મળ્યો છે.
પ્રથમ ODI માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
દક્ષિણ આફ્રિકા: રાયન રિકલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), એડન માર્કરમ (કેપ્ટન), મેથ્યુ બ્રીટ્ઝકે, ટોની ડી જોર્જી, ડેવાલ્ડ બ્રેવિસ, માર્કો યાનસન, કોર્બિન બોશ, પ્રેનેલન સુબ્રાયાન, નાન્દ્રે બર્ગર, ઓટનીએલ બાર્ટમેન.

