વિજય હજારે ટ્રોફીમાં ધમાલ મચાવવા તૈયાર છે રોહિત અને વિરાટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ

ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ODI ક્રિકેટ ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 2025-26ની શરૂઆત 24 ડિસેમ્બરથી થઈ રહી છે. આ વર્ષે રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમ ઈન્ડિયાના ઘણા અન્ય ખેલાડીઓ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. રોહિત શર્મા મુંબઈ તરફથી રમશે, જ્યારે વિરાટ કોહલી દિલ્હી તરફથી રમશે. વિજય હજારે ટ્રોફીની આ સિઝનમાં એલીટ ગ્રુપ, પ્લેટ ગ્રુપ અને નોકઆઉટ રાઉન્ડનો સમાવેશ થાય છે, જે દેશભરના ન્યુટ્રલ વેન્યુ પર રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 18 જાન્યુઆરીએ રમાશે. ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા અમે તમને જણાવીશું કે તમે મેચ ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકો છો.
વિજય હજારે મેચ સવારે 9 વાગ્યે શરૂ થશે
24 ડિસેમ્બરે વિજય હજારે ટ્રોફીમાં દિલ્હીની આંધ્રા સામે ટકરાશે. આ મેચ બેંગલુરુના KSCA ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. મુંબઈનો સામનો તે જ દિવસે સિક્કિમ સાથે થશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટની બધી મેચો ભારતીય સમય મુજબ સવારે 9:00 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ 8:30 વાગ્યે થશે.
વિજય હજારે ટ્રોફીની મેચો ક્યાં જોઈ શકશો?
હવે વાત કરીએ લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ વિશે. આ સિઝનમાં વિજય હજારે ટ્રોફીમાં કુલ 119 મેચો રમાશે. જોકે, બધી મેચોનું લાઈવ ટેલિકાસ્ટ નહીં થાય. વિજય હજારે ટ્રોફીની પસંદગીની મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર ટીવી પર જોઈ શકાય છે. આ સિવાય તમે JioHotstar એપ પર વિજય હજારે ટ્રોફી 2025-26ની પસંદગીની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકો છો.
ઝારખંડે સૈયદ મુશ્તાક ટ્રોફી જીતી હતી
વિજય હજારે ટ્રોફી પહેલા ભારતની ઘરેલુ T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમાઈ હતી. ઈશાનની કેપ્ટનશિપ હેઠળ ઝારખંડે તેની પ્રથમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી. આ ટુર્નામેન્ટમાં ઈશાને 10 ઈનિંગ્સમાં 57.44ની પ્રભાવશાળી એવરેજથી 517 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે હરિયાણા સામેની ફાઈનલમાં 101 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. હવે તેને વિજય હજારે ટ્રોફી માટે ઝારખંડ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

