BCCIએ ખજાનો ખોલ્યો, હવે મહિલા ક્રિકેટર્સ પર થશે પૈસાનો વરસાદ; ડબલ થઈ સેલેરી

ભારતમાં મહિલા ક્રિકેટનું વર્ચસ્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. તાજેતરમાં, ભારતીય મહિલા ટીમે 2025ના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટાઈટલ જીત્યું હતું. ભારતે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. હવે નવા વર્ષ પહેલા BCCIએ મહિલા ખેલાડીઓ માટે પોતાનો ખજાનો ખોલ્યો છે. હવે મહિલા ખેલાડીઓને ડબલ સેલેરી મળવાની છે.
BCCIએ ખજાનો ખોલ્યો
હાલમાં મહિલા ક્રિકેટર્સને ઘરેલુ ટુર્નામેન્ટ માટે ખૂબ જ ઓછી મેચ ફી મળે છે. સિનિયર મહિલા ટુર્નામેન્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ મહિલા ખેલાડીઓને દરરોજ 20,000 રૂપિયા મળે છે, જ્યારે રિઝર્વ ખેલાડીઓને 10,000 રૂપિયા મળે છે. જુનિયર ખેલાડીઓને પ્લેઈંગ ઇલેવનમાં ભાગ લેવા બદલ 10,000 રૂપિયા મળે છે, જ્યારે રિઝર્વ ખેલાડીઓને 5,000 રૂપિયા મળે છે. આવી સ્થિતિમાં સિનિયર મહિલા ખેલાડી દર સિઝનમાં સરેરાશ 2,00,000 રૂપિયા કમાતી હતી. જોકે, હવે મહિલા ખેલાડીઓના પગારમાં ઘણો વધારો થયો છે.
પગાર બમણો થયો
હવે સિનિયર મહિલા ટુર્નામેન્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીઓને 50,000 રૂપિયા મળશે, જ્યારે રિઝર્વ ખેલાડીઓને 25,000 રૂપિયા મળશે. T20 મેચોમાં પગાર વધારીને 25,000 રૂપિયા અને 12,500 રૂપિયા કરવામાં આવ્યો છે. વધુમાં જુનિયર ટુર્નામેન્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીને 25,000 રૂપિયા અને રિઝર્વ ખેલાડીઓને 12,500 રૂપિયા મળશે. T20માં, આ રકમ અડધી કરીને 12,500 રૂપિયા અને 6,250 રૂપિયા કરવામાં આવી છે.
જય શાહે પરિસ્થિતિ બદલી
પહેલા જ્યારે જય શાહ BCCI સચિવ હતા, ત્યારે તેમણે ભારતીય મહિલા ખેલાડીઓના પગારને પુરૂષોના પગાર સાથે સમાન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. હવે ભારતીય મહિલા ખેલાડીઓને પુરૂષ ખેલાડીઓ જેટલા જ ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, ODI માટે 6 લાખ રૂપિયા અને T20 મેચ માટે 3 lakh રૂપિયા મળે છે.

