VIDEO / 'મને લાગ્યું કે હવે હું ક્રિકેટ...', વર્લ્ડ કપની હારના બે વર્ષ બાદ છલકાયું રોહિત શર્માનું દર્દ; નિવૃત્તિ અંગે કર્યો ખુલાસો

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 2023 ODI વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારના દુઃખને યાદ કરીને એક મોટો ખુલાસો કર્યો છે. રોહિતે ખુલાસો કર્યો કે તેણે હાર પછી નિવૃત્તિ લેવાનું પણ વિચાર્યું હતું, તે માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણપણે થાકી ગયો હતો.
2023 વર્લ્ડ કપમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે ભારતને શાનદાર શરૂઆત રીતે આગળ વધાર્યું હતું. યજમાન ભારત અમદાવાદમાં ફાઈનલ સુધી એક પણ મેચ નહતું હાર્યું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રોહિતે 11 મેચમાં 54.27ની એવરેજ અને લગભગ 126ના સ્ટ્રાઇક રેટ સાથે 597 રન બનાવ્યા હતા.
ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર
ફાઈનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો, જેણે ભારતીય ટીમ સામે પોતાની રણનીતિ અસરકારક રીતે અમલમાં મૂકી. ભારત 50 ઓવરમાં ફક્ત 240 રન જ બનાવી શક્યું હતું. જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડની 120 બોલમાં 137 રનની ઈનિંગને કારણે છ વિકેટ બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. હવે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન રોહિત શર્માને તેની લાગણીઓ અને આ હારનો સામનો કરવા વિશે પૂછવામાં આવ્યું હતું.
રોહિત શર્માએ નિવૃત્તિ વિશે વાત કરી
રોહિત શર્માએ કહ્યું કે આ હાર તેના માટે વ્યક્તિગત રીતે ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે 2022માં કેપ્ટન બન્યા પછી તેનું એકમાત્ર લક્ષ્ય ભારતને વર્લ્ડ કપમાં જીતાડવાનું હતું. રોહિતે કહ્યું, "દરેક વ્યક્તિ ખૂબ જ નિરાશ હતા અને અમને વિશ્વાસ નહતો આવતો કે આ કેન થયું. મારા માટે વ્યક્તિગત રીતે તે ખૂબ જ મુશ્કેલ સમય હતો, કારણ કે મેં ફક્ત બે કે ત્રણ મહિના માટે જ નહીં, પરતું 2022માં કેપ્ટનશિપ સંભાળ્યા પછી આ વર્લ્ડ કપ માટે બધું જ લગાવી દીધું હતું."
તેણે આગળ કહ્યું, "ભલે તે T20 વર્લ્ડ કપ હોય કે 2023 ODI વર્લ્ડ કપ, મારું એકમાત્ર સ્વપ્ન ટ્રોફી જીતવાનું હતું. જ્યારે તે ન બન્યું, ત્યારે હું સંપૂર્ણપણે ભાંગી ગયો હતો. અમદાવાદમાં મળેલી હાર પછી, મને પ્રામાણિકપણે લાગ્યું કે હવે હું ક્રિકેટ નથી રમવા માંગતો. મેં તે વર્લ્ડ કપ માટે મારી પાસે જે કંઈ હતું તે બધું આપી દીધું હતું. જ્યારે અમે હારી ગયા, ત્યારે મને લાગ્યું કે મારા શરીર અને મનમાં કંઈ બચ્યું નથી. મારા શરીરમાં કોઈ ઊર્જા નહતી બચી. મને મારી જાતને સંભાળવામાં અને ફરી ઉભા થવામાં થોડા મહિના લાગ્યા."
તેણે કહ્યું, "જ્યારે તમે કોઈ વસ્તુમાં આટલું બધું રોકાણ કરો છો અને પરિણામ નથી મળતું, ત્યારે આવી પ્રતિક્રિયા એકદમ સ્વાભાવિક છે. મારી સાથે પણ આવું જ થયું. પરંતુ મને એ પણ ખબર હતી કે જીવન ત્યાં સમાપ્ત નથી થતું. તે મારા માટે એક મોટો પાઠ હતો. નિરાશાનો સામનો કેવી રીતે કરવો, પોતાને ફરીથી સેટ કેવી રીતે કરવો અને નવેસરથી શરૂઆત કેવી રીતે કરવી."
રોહિતે આગળ કહ્યું, "મને ખબર હતી કે આગામી મોટું લક્ષ્ય 2024 T20 વર્લ્ડ કપ હતું, જે USA અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાવાનો હતો અને મારે મારું બધું ધ્યાન તેના પર કેન્દ્રિત કરવાનું હતું. આજે આ કહેવું સરળ છે, પરંતુ તે સમયે તે અત્યંત મુશ્કેલ હતું."
પીડા પછી સફળતાની વાર્તા
રોહિત શર્મા માટે આખરે બધું યોગ્ય દિશામાં ગયું. તેણે ભારતને 2024 T20 વર્લ્ડ કપ ટાઇટલ સુધી પહોંચાડ્યું અને ત્યારબાદ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. 2023ની નિરાશાએ 2024ની ઐતિહાસિક સફળતાનો પાયો નાખ્યો.

