New Champions / 2025એ ક્રિકેટને આપ્યા નવા ચેમ્પિયન, આ ચાર ટુર્નામેન્ટમાં ટીમોની લાંબી રાહનો આવ્યો અંત

2025નું વર્ષ ક્રિકેટ જગતમાં 'રીસેટ બટન' જેવું હતું, જેણે ઘણી ટીમોના નસીબને ફેરવી નાખ્યા. લાંબી રાહ અને અધૂરા સપનાઓનો અંત લાવતા આ વર્ષે 4 અલગ અલગ ટુર્નામેન્ટમાં નવા ચેમ્પિયન ઉભરી આવ્યા. બિગ બેશ લીગ (BBL) માં હોબાર્ટ હરિકેન્સ, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં સાઉથ આફ્રિકા અને વિમેન્સ ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પોતાનો પહેલો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો. આ એક એવું વર્ષ હતું જ્યારે સખત મહેનત, આશા અને ઈતિહાસ બધાએ સાથે મળીને નવા ચેમ્પિયન બનાવ્યા.
હોબાર્ટ હરિકેન્સ
હોબાર્ટ હરિકેન્સે બિગ બેશ લીગ (BBL) માં વર્ષોની નિરાશાનો અંત લાવ્યો. 2013-14 અને 2017-18માં ફાઈનલ હારનારી ટીમે આખરે 2025માં જીતનો સ્વાદ ચાખ્યો. ટિમ ડેવિડ અને મિચેલ ઓવેનની જોડીએ બેટિંગમાં કમાલ કરી હતી, જ્યારે કેપ્ટન નાથન એલિસે પણ શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે મેથ્યુ વેડના અનુભવે ઈતિહાસ રચ્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે 'ઈ સાલ કપ નામદે' સાચું પડ્યું
IPL 2025 એવી સિઝન હતી જેની ફક્ત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના જ નહીં પરંતુ વિશ્વભરના ક્રિકેટ ફેન્સ રાહ જોઈ રહ્યા હતા. વર્ષોથી ચાલી રહેલા ટ્રોલિંગ અને 'ઈ સાલ કપ નામદે' મીમ્સ વચ્ચે RCBએ 18 વર્ષની રાહ બાદ આખરે ટાઈટલ જીત્યું. રજત પાટીદારની ઉત્તમ કેપ્ટનશિપ, વિરાટ કોહલીનો જોશ, હેઝલવુડની સચોટ બોલિંગ અને ફિલ સોલ્ટની વિસ્ફોટક બેટિંગ ટીમને તેના પ્રથમ IPL ટાઈટલ તરફ દોરી ગઈ.
સાઉથ આફ્રિકા:ICC ટાઈટલ જીતવાનું સ્વપ્ન પૂર્ણ થયું
સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં ઈતિહાસ રચ્યો. એક સમયે 'ચોકર્સ' તરીકે જાણીતી, ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને તેનો પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અથવા તો એમ કહો કે પ્રથમ ICC ટાઈટલ જીત્યું. કેપ્ટન ટેમ્બા બાવુમાની સ્થિરતા, એડન માર્કરમની શાનદાર બેટિંગ અને કાગીસો રબાડાની આક્રમકતાએ સાઉથ આફ્રિકાને ટેસ્ટ વર્લ્ડમાં ટોપ પર પહોંચાડ્યું. આ જીત એવી પેઢીને સમર્પિત હતી, જેણે સતત હાર મળવા છતાં પણ ક્યારેય આશા નહતી છોડી.
ભારતીય વિમેન્સ ટીમ: 52 વર્ષ પછી ચેમ્પિયનનો તાજ પહેર્યો
અને પછી આવી સૌથી ભાવનાત્મક ક્ષણ... ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે 2025માં તેનો પ્રથમ ODI વર્લ્ડ કપ અથવા તો તેનું પ્રથમ ICC ટાઈટલ જીત્યું. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો. શેફાલી વર્મા, દીપ્તિ શર્મા અને જેમિમા રોડ્રિગ્સના શાનદાર પ્રદર્શને લાખો દિલ જીતી લીધા. આ માત્ર એક ટ્રોફી નહતી, પરંતુ વિમેન્સ ક્રિકેટની ઓળખમાં એક નવો અધ્યાય હતો.

