IPL 2025 / બદલાઈ ગયું પંજાબ અને મુંબઈની મેચનું વેન્યુ, ધર્મશાલા નહીં આ સ્ટેડિયમમાં થશે મુકાબલો
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેના દ્વારા પહલગામ હુમલાનો બદલો લીધા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બીજી બાજુ

ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેના દ્વારા પહલગામ હુમલાનો બદલો લીધા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બીજી બાજુ ભારતમાં સૌથી વધારે પ્રસિદ્ધ ટૂર્નામેન્ટ IPL 2025 ચાલુ છે. હવે IPLને લઈને મોટા સમચાર સામે આવ્યા છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સમાચારના એક દિવસ પહેલા બુધવારે (7 મે) નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે મુંબઈ-પંજાબની મેચ
મુંબઈ અને પંજાબ વચ્ચેની 11 તારીખની મેચ હવે ધર્મશાલાની બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ધર્મશાલાને બદલે મુંબઈમાં રમાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ન્યૂટ્રલ સ્થળની માંગ થતા હવે આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
બોમ્બથી ઉડાડવાની મળી ધમકી
નોંધનીય છે કે, બુધવારે (7 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યાનો અહેવાલ સામે આવ્યો હતો. પાકિસ્તાનના નામથી GCAને ઈમેલ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ટીમ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરાયું હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.
સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે, ઈમેલમાં માત્ર એક લાઈન લખવામાં આવી છે. જેમાં 'We Will Blast Your Studium' એટલું જ લખ્યું છે. એવામાં IPLની મેચના આયોજનના કારણે ઈમેલની ગંભીરતાથી લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિને જોતા આ ધમકીભર્યા ઈમેલને હળવાશથી ન લઈ શકાય.






