વૈષ્ણવી શર્માએ ડેબ્યુ મેચમાં રચ્યો ઈતિહાસ, 5 રનમાં લીધી 5 વિકેટ, માત્ર 2.5 ઓવરમાં જીતી ગયું ભારત
દરેક યુવા ક્રિકેટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરવાનું સપનું જુએ છે અને જો આ સપનું સાકાર થાય તો તે યુવા

દરેક યુવા ક્રિકેટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરવાનું સપનું જુએ છે અને જો આ સપનું સાકાર થાય તો તે યુવા ખેલાડી ડેબ્યુ મેચને યાદગાર બનાવવાનો પ્રયાસ કરે છે. આવું જ કંઈક ભારતની યુવા બોલર વૈષ્ણવી શર્મા સાથે થયું છે, જેણે ICC U19 વર્લ્ડ કપમાં ડેબ્યુ કરીને ઈતિહાસ રચ્યો હતો. 19 વર્ષીય વૈષ્ણવી શર્માને મલેશિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરવાની તક મળી. આ તકનો લાભ ઉઠાવીને, વૈષ્ણવી શર્માએ પહેલી જ મેચમાં હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો છે. તેણે માત્ર 5 રન આપીને 5 વિકેટ લીધી. આખી મલેશિયન ટીમ 14.3 ઓવરમાં માત્ર 31 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ માત્ર 2.5 ઓવરમાં 32 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો અને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી.
આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાની જર્સીમાં પાકિસ્તાનનું નામ ગાયબ, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા નવો વિવાદ
ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેનાર ટીમ ઈન્ડિયાએ મલેશિયાની બેટ્સમેનન ક્રીઝ પર લાંબો સમય ન ટકી શકી. મલેશિયાની 11માંથી 4 બેટ્સમેન ખાતું પણ ન ખોલાવી શકી. બાકીની 7 બેટ્સમેન પણ એક ડિજિટમાં સ્કોર કર્યા બાદ આઉટ થઈ ગઈ હતી.મલેશિયાની ઓપનર નૂર આલિયા હૈરુન અને હુસ્નાએ 5-5 રન બનાવ્યા. ભારત માટે વૈષ્ણવી શર્માએ શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં માત્ર 5 રન આપીને અડધી ટીમને આઉટ કરવાની મહાન સિદ્ધિ હાંસલ કરી. આ દરમિયાન તેણે એક મેડન ઓવર પણ ફેંકી. વૈષ્ણવી શર્માનું આ બોલિંગ પ્રદર્શન ICC U19 વર્લ્ડ કપનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડની એલી એન્ડરસનના નામે હતો. એલીએ 2023ના U19 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 12 રન આપીને 5 વિકેટ લીધી હતી.
વૈષ્ણવી શર્મા ઉપરાંત, આયુષી શુક્લાએ 3 બેટ્સમેનની વિકેટ લીધી જ્યારે જોશીતા વીજેને એક સફળતા મળી. ભારત તરફથી બેટિંગ કરતા, ગોંગડી ત્રિશા અને કમલિનીની ઓપનિંગ જોડીએ ટીમને કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 2.5 ઓવરમાં ટાર્ગેટ સુધી પહોંચાડી દીધી. ગોંગડી ત્રિશાએ 12 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 27 રનની તોફાની ઈનિંગ રમી. તેણે 200થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. કમલિની 4 રન બનાવીને અણનમ પરત ફરી હતી.






