Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vaibhav Suryavanshi's reaction to Sachin Tendulkar's tweet goes viral

VIDEO: સચિન તેંડુલકરના ટ્વીટ પર વૈભવ સૂર્યવંશીની પ્રતિક્રિયા થઈ વાયરલ, કહ્યું- 'ક્રિકેટના ભગવાન જો...'

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) ના 15 વર્ષના લેફ્ટી વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. આ યુવા વન્ડરકિડે માત્ર 15 વર્ષની નાની ઉંમરે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના દિગ્ગજ આંતરરાષ્ટ્રીય બોલરની લાઈન-લેન્થ બગાડી નાખી હતી. વૈભવની આ અદ્ભુત ઈનિંગથી પ્રભાવિત થઈને ક્રિકેટના ભગવાન ગણાતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પણ સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કર્યા છે. આ અંગે જ્યારે મેચ બાદ વૈભવને પૂછવામાં આવ્યું ત્યારે તેણે આશ્ચર્ય સાથે તેને પોતાના માટે ગર્વની ક્ષણ ગણાવી હતી.

App Store

પેટ કમિન્સ જેવા દિગ્ગજ બોલરો સામે માત્ર 29 બોલમાં ફટકાર્યા 97 રન

મુલ્લાનપુરમાં રમાયેલી હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની કરો યા મરો મેચમાં સૂર્યવંશીએ ધમાકેદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર પેટ કમિન્સ સહિત હૈદરાબાદના બોલિંગ એટેકને વેરવિખેર કરી નાખ્યું હતું. વૈભવે માત્ર 29 બોલનો સામનો કરીને 12 સિક્સ અને 5 ફોરની મદદથી 97 રનની તોફાની ઈનિંગ રમી હતી. જોકે, તે માત્ર 3 રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો.

સચિન તેંડુલકરે X પર ટ્વીટ કરીને કરી પ્રશંસા

વૈભવની આ ઈનિંગ જોઈને સચિન તેંડુલકર પણ પોતાની જાતને રોકી ન શક્યો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર યુવા ખેલાડીની ટેક્નિકના વખાણ કરતા લખ્યું કે "વૈભવ સૂર્યવંશીનો બેટ સ્વિંગ અદ્ભુત રહ્યો છે. તેનાથી પણ વધુ નોંધનીય બાબત એ છે કે તે તેના પગ તરફ આવતા બોલ માટે જગ્યા બનાવવા માટે કેટલી સુંદરતાપૂર્વક તેનો ફ્રન્ટ ફૂટ ક્લિયર કરે છે. આ સ્વતંત્રતા તેને આ શૈલીમાં રમવાની મંજૂરી આપે છે. તેની આ ઈનિંગ ખરેખર શાનદાર હતી!"

સચિનના વખાણ પર વૈભવ સૂર્યવંશીની પ્રતિક્રિયા

મેચ પૂરી થયા બાદ જ્યારે IPLની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરાયેલા વીડિયોમાં વૈભવને સચિનના આ ટ્વીટ વિશે જણાવવામાં આવ્યું, ત્યારે તે ખૂબ જ ખુશ દેખાતો હતો. વૈભવે કહ્યું કે, "સર, આ સાંભળીને ખરેખર ખૂબ સારું લાગ્યું. આનાથી મને વધુ સારું રમવાની પ્રેરણા મળે છે. તમે જ મને અત્યારે આ વિશે જણાવ્યું; મને તો આ વાતની ખબર પણ નહતી. સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ જાણે છે કે તેઓ ક્રિકેટના ભગવાન છે. જો તેમણે મારા વિશે આવું ટ્વીટ કર્યું હોય, તો અમારા જેવા યુવા ખેલાડી માટે આ બહુ મોટી વાત છે કે તેમના જેવા મહાન લેજેન્ડે અમારા વિશે લખ્યું છે. તેથી, ચોક્કસપણે આ મારા માટે ખૂબ જ ગર્વની બાબત છે."

મેચનો અહેવાલ: રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 47 રને હરાવ્યું

મેચની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા વૈભવના 97 રન અને ધ્રુવ જુરેલની 21 બોલમાં 50 રનની ઈનિંગની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં 244 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રાજસ્થાનના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે હૈદરાબાદના ટોપ ત્રણ બેટ્સમેન અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને ઈશાન કિશનને વહેલા આઉટ કરીને હૈદરાબાદની કમર તોડી નાખી હતી. પેટ કમિન્સની ટીમ આ આંચકામાંથી બહાર નહતી આવી શકી અને સમગ્ર ટીમ 19.2 ઓવરમાં 196 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ 47 રનની શાનદાર જીત સાથે રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર-2માં પોતાની જગ્યા પાકી કરી લીધી છે, જ્યાં હવે તેનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઈટન્સનો ક્વોલિફાયર-1માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે 92 રને પરાજય થયો હતો.