IND-U19 vs BAN-U19 / 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વિરાટ કોહલીને પાછળ છોડ્યો, ખાસ યાદીમાં સામેલ થયો

ICC અંડર-19 ODI વર્લ્ડ કપ 2026ની 7મી મેચ ભારત અંડર-19 ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશ અંડર-19 ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ વૈભવ સૂર્યવંશીએ એક છેડો સંભાળી રાખ્યો હતો. આ મેચમાં વૈભવે 4 રન બનાવતા જ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
વૈભવ સૂર્યવંશીએ મોટો રેકોર્ડ બનાવ્યો
ભારત અંડર-19 ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 4 રન બનાવીને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. કિંગ કોહલીએ યૂથ ODIમાં 28 મેચની 25 ઈનિંગ્સમાં 46.47ની એવરેજથી 978 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે. વૈભવ સૂર્યવંશીએ યૂથ ODI કારકિર્દીની 20મી ઇનિંગમાં 51.31ની એવરેજથી 1,000થી વધુ રન બનાવ્યા છે. આ મેચ પહેલા વૈભવના યુવા વનડેમાં 975 રન હતા. આ લખાય છે ત્યારે, બાંગ્લાદેશ સામે વૈભવ સૂર્યવંશીની ઈનિંગ હજુ પણ ચાલુ છે. ટીમ ઈન્ડિયાના ફેન્સ અને મેનેજમેન્ટ બંનેને આ ટુર્નામેન્ટમાં વૈભવ પાસેથી ઘણી મોટી અપેક્ષા છે. બધાને આશા છે કે તે આ ટુર્નામેન્ટમાં વધુ મોટા રેકોર્ડ તોડી શકે છે.
સૂર્યવંશી આ ખાસ યાદીમાં જોડાયો
14 વર્ષીય વૈભવ સૂર્યવંશી યૂથ ODIમાં 1,000 રન બનાવનાર સાતમો ભારતીય બેટ્સમેન બન્યો છે. વિજય ઝોલ યૂથ ODIમાં 1,404 રન બનાવ્યા છે, તે આ યાદીમાં ટોપ પર છે. યશસ્વી જયસ્વાલ 1,386 રન સાથે યાદીમાં બીજા ક્રમે છે. તન્મય શ્રીવાસ્તવ 1,316 રન સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે ઉન્મુક્ત ચંદ 1,149 રન સાથે ચોથા અને શુભમન ગિલ 1149 રન સાથે પાંચમા ક્રમે છે. છઠ્ઠા ક્રમે રહેલા સરફરાઝ ખાનના 1080 રન છે.

