CSK vs LSG: ઉર્વિલ પટેલનો ઝંઝાવાત, માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી

આઈપીએલ 2026માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાયેલી મેચમાં ઉર્વિલ પટેલનું તોફાન જોવા મળ્યું હતું. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઉર્વિલ પટેલે પોતાની વિસ્ફોટક બેટિંગથી ઈતિહાસના પાનાઓમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ઉર્વિલે આ મેચમાં માત્ર 13 બોલમાં અર્ધશતક ફટકાર્યું હતું.
યશસ્વી જયસ્વાલના રેકોર્ડની બરાબરી
ઉર્વિલ પટેલ હવે IPL ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે યશસ્વી જયસ્વાલના તે રેકોર્ડની બરાબરી કરી છે, જે જાયસ્વાલે 11 મે 2023 ના રોજ કોલકાતામાં KKR વિરુદ્ધ 13 બોલમાં બનાવ્યો હતો.
IPL ઈતિહાસની સૌથી ઝડપી ફિફ્ટી:
ઉર્વિલ પટેલ (CSK): 13 બોલ (2026 વિ. LSG)
યશસ્વી જાયસ્વાલ (RR): 13 બોલ (2023 વિ. KKR)
કે.એલ. રાહુલ (PBKS): 14 બોલ (2018 વિ. DC)
પેટ કમિન્સ (KKR): 14 બોલ (2022 વિ. MI)
રોમારિયો શેફર્ડ (RCB): 14 બોલ (2025 વિ. CSK)
માત્ર ચોગ્ગા-છગ્ગામાં જ કરી વાત
ઉર્વિલ પટેલે આ મેચમાં કુલ 23 બોલ રમીને 65 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગની ખાસ વાત એ હતી કે તેણે મેદાનની ચારેબાજુ શૉટ્સ ફટકાર્યા હતા. ઉર્વિલે પોતાની ઈનિંગમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના 65 રનમાંથી 56 રન તો માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી જ આવ્યા હતા.

