AUS vs ENG / એશિઝ સિરીઝ શરૂ થતા પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો, પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો સ્ટાર ખેલાડી

પર્થમાં રમાનારી પ્રથમ એશિઝ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ હેમસ્ટ્રિંગના ખેંચાણને કારણે બહાર થઈ ગયો છે. હેઝલવુડને ગુરુવારે ન્યૂ સાઉથ વેલ્સની વિક્ટોરિયા સામેની શેફિલ્ડ શીલ્ડ મેચમાંથી દુખાવો થવાને કારણે બહાર થવાની ફરજ પડી હતી. ત્યારબાદના સ્કેનથી હવે તેની ઈજાની પુષ્ટિ થઈ છે.
ઓસ્ટ્રેલિયાએ બે ટેસ્ટ રમી ચૂકેલા માઈકલ નેસરને હેઝલવુડ અને સીન એબોટ બંનેના કવર તરીકે સામેલ કર્યો છે. હેઝલવુડની ગેરહાજરીએ ઓસ્ટ્રેલિયાની ટીમની પસંદગી સંબંધિત ચિંતા વધારી દીધી છે, કારણ કે કેપ્ટન પેટ કમિન્સ પણ પીઠની સમસ્યા સાથે બહાર છે. આના કારણે મિચેલ સ્ટાર્ક પ્રથમ પસંદગીના ફાસ્ટ બોલિંગ ત્રિપુટીનો એકમાત્ર ફિટ સભ્ય તરીકે બાકી છે.
CA એ નિવેદન બહાર પાડ્યું
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જોશ હેઝલવુડની આજે વધુ ઈમેજિંગ કરાવવામાં આવી, જેમાં હેમસ્ટ્રિંગમાં ખેંચાણની પુષ્ટિ થઈ. બુધવારે પ્રારંભિક સ્કેન દરમિયાન કોઈ સ્નાયુમાં ખેંચાણ હોવાનું બહાર નહતું આવ્યું, પરંતુ આજે ફોલો-અપ ઈમેજિંગમાં ઈજાની પુષ્ટિ થઈ છે. ક્યારેક પ્રારંભિક ઈમેજિંગમાં સ્નાયુઓની નાની ઈજાઓને ઓછી આંકી શકાય છે. પરિણામે, હેઝલવુડ પર્થ નહીં શકે અને પ્રથમ એશિઝ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
ભારત સામેની T20I સિરીઝ છોડી હતી
જોશ હેઝલવુડે ભારત સામેની T20I સિરીઝની બે મેચમાં જ ભાગ લીધો હતો. ત્યારબાદ, તે એશિઝની તૈયારી કરવા અને શેફિલ્ડ શીલ્ડમાં રમવા ગયો હતો. આ સમયગાળા દરમિયાન તેને ઈજા થઈ હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી છે.

