IND vs SA / રવિન્દ્ર જાડેજાએ કોલકાતા ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, આવું કરનાર માત્ર બીજો ભારતીય ખેલાડી બન્યો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ શુક્રવાર, 14 નવેમ્બરના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શરૂ થઈ હતી. મેચના બીજા દિવસે (15 નવેમ્બર) ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈતિહાસ રચ્યો હતો. 'સર' જાડેજાએ એક એવી સિદ્ધિ હાંસલ કરી જે તેની પહેલા વિશ્વના ફક્ત ત્રણ મહાન ખેલાડીઓ જ હાંસલ કરી શક્યા હતા.
રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 4000+ ટેસ્ટ રન અને 300+ વિકેટનો ડબલ રેકોર્ડ હાંસલ કર્યો છે. જાડેજા પહેલા ફક્ત ઈયાન બોથમ, કપિલ દેવ અને ડેનિયલ વિટોરીએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. પહેલા નંબર પર ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવ છે, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 5248 રન બનાવ્યા હતા અને 434 વિકેટ લીધી હતી. બીજા નંબર પર ઈંગ્લેન્ડનો ઈયાન બોથમ છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 5200 રન બનાવ્યા હતા અને 383 વિકેટ લીધી હતી. આ સિવાય ન્યુઝીલેન્ડના ડેનિયલ વિટોરીએ પણ શાનદાર પ્રદર્શન કરતા 4531 રન બનાવ્યા હતા અને 362 વિકેટ લીધી હતી.
રવિન્દ્ર જાડેજાએ આ ટેસ્ટ મેચ દરમિયાન 10મો રન લેતાની સાથે જ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જાડેજાએ 88 ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કર્યું, જે ચાર ખેલાડીઓમાં બીજા ક્રમે સૌથી ઝડપી છે. તેનાથી આગળ ફક્ત ઈયાન બોથમ છે, જેણે તેની 72મી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જાડેજાએ 88 ટેસ્ટમાં 4017 રન બનાવ્યા છે અને 341 વિકેટ લીધી છે.
આંકડા અને પ્રદર્શન બંનેની દૃષ્ટિએ, રવિન્દ્ર જાડેજા કોઈપણ વર્તમાન ઓલરાઉન્ડર કરતાં ઘણો આગળ દેખાય છે. બોલિંગ ઓલરાઉન્ડર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરતા, જાડેજાએ ધીમે ધીમે પોતાને એક વિશ્વસનીય અને સફળ ટેસ્ટ બેટ્સમેન તરીકે સ્થાપિત કર્યો છે.
રવિન્દ્ર જાડેજાને SENA દેશો (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) માં પણ ઘણી સફળતા મળી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં છ સદી અને 27 અડધી સદી ફટકારી છે. પ્રદર્શનમાં સ્થિરતા અને ઓલરાઉન્ડ સ્કિલને કારણે, તેને ICCના નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર તરીકેનું સ્થાન મળ્યું છે.
4000 રન અને 300 વિકેટ લેનાર ખેલાડી
- કપિલ દેવ (5248 રન, 434 વિકેટ)
- ઈયાન બોથમ (5200 રન, 383 વિકેટ)
- ડેનિયલ વેટોરી (4531 રન, 362 વિકેટ)
- રવિન્દ્ર જાડેજા (4000* રન, 338* વિકેટ)

