વૈભવ સૂર્યવંશીએ 32 બોલમાં ફટકારી સદી, પછી આવ્યું જિતેશ શર્માનું તોફાન; ભારતે UAEને 148 રનથી હરાવ્યું

ભારતે UAEને 148 રનથી હરાવ્યું છે. એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં આ ટીમ ઈન્ડિયાની પહેલી જીત છે. પહેલા બેટિંગ કરતા, ઈન્ડિયા-A એ 297 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. વૈભવ સૂર્યવંશીએ 144 રનની ધમાકેદાર ઈનિંગ રમી, જ્યારે કેપ્ટન જિતેશ શર્માએ પણ ઝડપી 83 રન બનાવ્યા હતા. આ પછી 298 રનના ટાર્ગેટના જવાબમાં, UAEની ટીમ ફક્ત 149 રન જ બનાવી શકી.
ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 297 રન બનાવ્યા હતા. આ T20 ક્રિકેટ ઈતિહાસમાં પાંચમો સૌથી મોટો સ્કોર છે. વૈભવ સૂર્યવંશીએ માત્ર 32 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. તેણે આ મેચમાં 42 બોલમાં 15 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકારીને કુલ 144 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન જિતેશ શર્માએ UAEના બોલર્સને હંફાવ્યા. જિતેશ 32 બોલમાં 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકારીને 83 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. T20 ક્રિકેટ ઈતિહાસમાં, ફક્ત નેપાળ, ઝિમ્બાબ્વે અને ઈંગ્લેન્ડ જ 300 રનનો આંકડો પાર કરી શક્યા છે.
એક ઈનિંગમાં 25 છગ્ગા અને 24 ચોગ્ગા
ભારતીય બેટ્સમેનોએ પહેલી ઈનિંગમાં 25 છગ્ગા અને 24 ચોગ્ગા ફટકારીને 297 રન બનાવ્યા. ભારતીય ટીમે ફક્ત બાઉન્ડ્રીથી 246 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ છગ્ગા (15) ફટકાર્યા, જ્યારે જિતેશ શર્માએ પણ 6 છગ્ગા ફટકાર્યા જતા. ગુરજપનીત સિંહે સૌથી વધુ વિકેટ લીધી, તેણે UAEના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
148 રનની જંગી જીત બાદ, ટીમ ઈન્ડિયા તેની પહેલી મેચ જીતી અને ગ્રુપ Bમાં ટોચનું સ્થાન મેળવ્યું. એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લઈ રહી છે. ભારતને પાકિસ્તાન, ઓમાન અને UAE સાથે ગ્રુપ Bમાં મૂકવામાં આવ્યું છે. પાકિસ્તાને પણ તેની પહેલી મેચ જીતી છે, પરંતુ હાલમાં તે ટેબલમાં બીજા સ્થાને છે. હવે ટીમ ઈન્ડિયા 16 નવેમ્બરના રોજ પાકિસ્તાનની ટીમ સાથે ટકરાશે.

