IND-A vs SA-A / ભારતીય ટીમની રોમાંચક જીત, ઋતુરાજ ગાયકવાડની સદી; નીતિશ રેડ્ડીએ નિભાવી ફિનીશરની ભૂમિકા

ત્રણ મેચની અનઓફિશિયલ ODI સિરીઝની પહેલી મેચમાં ઈન્ડિયા-A એ સાઉથ આફ્રિકા-Aને 4 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ ગુરુવારે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. 286 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં રોમાંચક જીત નોંધાવી હતી. આ સાથે, ટીમે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
ગાયકવાડની સદીએ જીતનો પાયો નાખ્યો
ઋતુરાજ ગાયકવાડ ઈન્ડિયા-Aની જીતનો મુખ્ય આધારસ્તંભ હતો, તેણે શાનદાર ઈનિંગ રમી અને 129 બોલમાં 117 રન બનાવ્યા. તેણે ઈનિંગ દરમિયાન 12 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઋતુરાજની લિસ્ટ-A કારકિર્દીમાં 17મી સદી હતી, અને સૌથી અગત્યની વાત એ હતી કે તેણે એક તરફથી ટીમની ઈનિંગ સંભાળીને રાખી હતી.
ઓપનર અભિષેક શર્માએ 31 રન સાથે સારી શરૂઆત આપી હતી, જ્યારે કેપ્ટન તિલક વર્માએ 39 રન સાથે ઈનિંગને મજબૂત બનાવી હતી. અંતે, નીતિશ રેડ્ડીએ ફિનિશરની ભૂમિકા ભજવી હતી, 26 બોલમાં 37 રન બનાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 3 ચોગ્ગા ફટકારીને મેચને ઈન્ડિયા-Aના પક્ષમાં ફેરવી દીધી હતી. નિશાંત સિંધુ 29 રન પર અને હર્ષિત રાણા 6 રન પર અણનમ રહ્યા હતા. સાઉથ આફ્રિકા-A માટે, બ્યોર્ન ફોર્ટુઈન, ઓટનીએલ બાર્ટમેન અને તિયાન વેન વુરેને 2-2 વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકા Aની ખરાબ શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકા Aની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 53 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગતું હતું કે ટીમ 150 સુધી પણ નહીં પહોંચે, પરંતુ ડેલાનો પોટગિએટર, ડિયાન ફોરેસ્ટર અને બ્યોર્ન ફોર્ટુઈને મેચને સંપૂર્ણપણે બદલી નાખી હતી.
પોટગિએટરે 105 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે ડિયાન ફોરેસ્ટરે ૭૭ રન બનાવ્યા અને પોટગિએટર સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 113 રનની પાર્ટનરશિપ કરી. અંતે, બ્યોર્ન ફોર્ટુઈને 58 રન બનાવીને ટીમનો સ્કોર 285 સુધી પહોંચાડ્યો. ઈન્ડિયા-A માટે હર્ષિત રાણા અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ લીધી હતી.
બીજી મેચ 16 નવેમ્બરે રમાશે
સિરીઝની બીજી મેચ પણ 16 નવેમ્બરે આ જ મેદાન પર રમાશે. જેમાં સાઉથ આફ્રિકા-A ટીમ વાપસી કરવાનો પ્રયાસ કરશે, જ્યારે ઈન્ડિયા-A ટીમની નજર મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા પર હશે.

