IPL ટ્રેડની ચર્ચા વચ્ચે KKRનો માસ્ટરસ્ટ્રોક, ચોથી વખત ચેમ્પિયન બનવા આ ઓસ્ટ્રેલિયન ખેલાડીને સોંપી મહત્ત્વપૂર્ણ જવાબદારી

IPLની નવી સિઝન માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહી છે, તેઓ 15 નવેમ્બરે જાહેર થનાર રિટેન્શન લિસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા ટીમો વચ્ચે ખેલાડીઓને ટ્રેડ કરવાને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે, ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ આગામી IPL 2026માં ચોથી વખત ચેમ્પિયન બનવા માટે ઓસ્ટ્રેલિયના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસનને તેના આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. વોટસન આંતરરાષ્ટ્રીય અને IPLમાં ખૂબ સારો અનુભવ ધરાવે છે અને તેના ઉમેરાથી ટીમને વધુ એક ટાઈટલ જીતવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
શેન વોટસન 59 ટેસ્ટ, 190 ODI અને 58 T20I મેચ રમ્યો છે, જેમાં તેણે 10,000થી વધુ રન બનાવ્યા અને 280થી વધુ વિકેટ લીધી છે. વોટસન ઓસ્ટ્રેલિયાની 2007 અને 2015 ODI વર્લ્ડ કપ વિજેતા ટીમોનો સભ્ય હતો. તેને IPLમાં રમવાનો 12 વર્ષ (2008-2020) નો અનુભવ છે, તેણે આ દરમિયાન 145 મેચ રમી છે, જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે.
KKR CEOનું નિવેદન
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, વોટસને કોચિંગ અને મેન્ટરશિપમાં પોતાની બીજી ઈનિંગ શરૂ કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના CEO વેંકી મૈસૂરે વોટ્સનની નિમણૂક અંગે જણાવ્યું હતું કે, "અમે KKR પરિવારમાં શેન વોટસનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ. ઉચ્ચ સ્તરે ખેલાડી અને કોચ તરીકેનો તેનો અનુભવ ટીમને ઘણો ફાયદો કરાવશે. T20 ફોર્મેટની તેની સમજ વિશ્વ કક્ષાની છે અને અમારું ધ્યાન મેદાનની અંદર અને બહાર તેના યોગદાન પર છે."
વોટસને શું કહ્યું?
વોટસને KKRમાં જોડાવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું, "કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઈઝીમાં જોડાવાનો મને ગર્વ છે. મેં હંમેશા KKR ફેન્સ અને ટીમની સફળતા માટે તેમના જુસ્સાની પ્રશંસા કરી છે. હું કોચિંગ ગ્રુપ અને ખેલાડીઓ સાથે નજીકથી કામ કરવા માટે ઉત્સાહિત છું, જેથી કોલકાતા વધુ એક ટાઈટલ જીતી શકે."
KKR ત્રણ વખત ચેમ્પિયન બન્યું
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL ઈતિહાસમાં ત્રણ વખત IPL ટાઈટલ જીત્યું છે. ટીમે 2012, 2014 અને 2024માં IPL ટાઈટલ જીત્યા હતા. KKR 2021 સિઝનમાં રનર-અપ રહ્યું હતું. હેડ કોચ અભિષેક નાયર અને આસિસ્ટન્ટ કોચ શેન વોટસન પર KKRને ચોથી વખત IPL ચેમ્પિયન બનાવવાની મોટી જવાબદારી હશે.

