IPL 2026 / સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડશે તો કોણ બનશે ટીમનો નવો કેપ્ટન? રેસમાં છે આ બે નામ

IPL 2026માં સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ માટે રમશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ છે. રાજસ્થાનની ટીમ તેને ટ્રેડ કરવા માટે તમામ ફ્રેન્ચાઈઝી સાથે વાતચીત કરી રહી છે. રાજસ્થાનની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ડીલ કરવા માટે સખત મહેનત કરી રહી છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જો સેમસન રાજસ્થાન છોડી દે છે, તો આવતા વર્ષે ટીમનું નેતૃત્વ કોણ કરશે? સેમસનને રિપ્લેસ કરવા માટેની રેસમાં બે ખેલાડીના નામ આગળ છે.
રાજસ્થાનનો આગામી કેપ્ટન કોણ હશે?
જો સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી દે છે, તો યશસ્વી જયસ્વાલ ટીમના કેપ્ટન બનવા માટે સૌથી આગળ છે. એક અહેવાલ મુજબ, યશસ્વીને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. યશસ્વી લાંબા સમયથી રાજસ્થાન ટીમનો ભાગ રહ્યો છે અને દરેક સિઝનમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. દરમિયાન, ધ્રુવ જુરેલના નામ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. ગયા સિઝનમાં, ધ્રુવે 14 મેચોમાં 156ની શાનદાર સ્ટ્રાઇક રેટથી 333 રન બનાવ્યા હતા.
તાજેતરમાં ધ્રુવ ઈન્ડિયા-A અને ભારતીય ટીમ તરફથી મળેલી તકોનો પણ પૂરો લાભ લઈ રહ્યો છે. રાજસ્થાનનું ગઈ સિઝનમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. 14 મેચમાંથી રાજસ્થાન ફક્ત 4 જીતી શક્યું હતું અને 10 મેચ હારી ગયું હતું.
સંજુ કઈ ટીમમાં જશે?
સંજુ સેમસનને ટ્રેડ કરવાની વાતચીત ચાલી રહી છે. રાજસ્થાન ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સતત સંપર્કમાં છે. અહેવાલો અનુસાર, રાજસ્થાને બદલામાં દિલ્હી કેપિટલ્સ પાસેથી ટ્રિસ્ટન સ્ટબ્સ અને સમીર રિઝવીને ટ્રેડ કરવાની માંગણી પણ કરી હતી. આ પછી, રાજસ્થાને સંજુના બદલામાં રવિન્દ્ર જાડેજા અને પથિરાનાને તેમની ટીમમાં સમાવવાની માંગણી કરી છે. પરંતુ હજુ સુધી કોઈ ડીલ ફાઈનલ નથી થઈ.

