IPL / 5 સ્ટાર ખેલાડીઓ જેમણે લીગમાં બનાવ્યા ખૂબ રન, પરંતુ આજ સુધી નથી જીતી શક્યા ટ્રોફી

IPLએ 2008થી ઘણા ક્રિકેટર્સના કરિયરને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. કેટલાકે આ પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડી છે, જ્યારે અન્યોએ ઈતિહાસ રચ્યો છે. કેટલાક દિગ્ગજો એવા પણ છે જેમણે ઘણા રન બનાવ્યા છે, પરંતુ IPL ટ્રોફી જીતવાનું તેમનું સ્વપ્ન હજુ પણ અધૂરું છે. આમાં કેએલ રાહુલ, એબી ડી વિલિયર્સ, ક્રિસ ગેલ, સંજુ સેમસન અને રિષભ પંત જેવા નામોનો સમાવેશ થાય છે.
કેએલ રાહુલ
કેએલ રાહુલ IPLના સૌથી વિશ્વસનીય અને સતત પ્રદર્શન કરતા બેટ્સમેનોમાંથી એક છે. તેણે અત્યાર સુધીમાં 145 મેચોમાં 5222 રન બનાવ્યા છે, જેમાં ઘણી વિસ્ફોટક ઈનિંગ્સનો સમાવેશ થાય છે. પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને RCB જેવી ટીમો માટે રમી ચૂકેલા રાહુલની બેટિંગમાં ક્લાસ અને આક્રમકતા બંનેનો સમાવેશ થાય છે. તેમ છતાં, હજુ સુધી તે કોઈપણ સિઝનમાં ચેમ્પિયન નથી બની શક્યો.
એબી ડી વિલિયર્સ
એબી ડી વિલિયર્સને IPLના ઈતિહાસના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. તેણે 184 મેચમાં 5162 રન બનાવ્યા છે. તેના હેલિકોપ્ટર શોટ્સ, બેકફૂટ કવર ડ્રાઈવ અને મેદાનની દરેક દિશામાં રન બનાવવાની ક્ષમતાએ ફેન્સને મોહિત કર્યા છે. દિલ્હી ડેરડેવિલ્સ (અત્યારે દિલ્હી કેપિટલ્સ) અને RCB માટે રમનાર એબી પણ વિરાટ કોહલી સાથે ટ્રોફી ઉપાડવાનું પોતાનું સ્વપ્ન પૂરું નથી કરી શક્યો, જોકે RCB એ IPL 2025માં પોતાની પહેલી ટ્રોફી જીતી હતી, પરંતુ એબી ડી વિલિયર્સ તે ટીમનો ભાગ નહતો.
ક્રિસ ગેલ
ક્રિસ ગેલે IPLમાં બોલર્સની ધોલાઈ કરવા માટે પ્રખ્યાત હતો. તેણે 142 મેચમાં 4965 રન બનાવ્યા, જેમાં છ સદીનો સમાવેશ થાય છે. ગેલે કોલકાતા, બેંગ્લોર અને પંજાબ જેવી ટીમો માટે ઘણી વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. આમ છતાં, તે IPL ટાઈટલ નથી જીતી શક્યો.
સંજુ સેમસન
સંજુ સેમસનનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેની બેટિંગમાં ક્લાસ અને ટાઈમિંગ બંનેનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં, તેણે 177 મેચમાં 4704 રન બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે, તેણે ઘણી વખત ટીમને જીત અપાવી છે, પરંતુ તે આજ સુધી IPL ટાઈટલ નથી જીતી શક્યો.
રિષભ પંત
લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન રિષભ પંત IPLમાં સૌથી ધાકડ બેટ્સમેનોમાંથી એક છે. તેણે 125 મેચમાં 3553 રન બનાવ્યા છે. તેણે અનેક વખત એકલા હાથે મેચને ફેરવી છે, પરંતુ પંત હજુ સુધી IPLની ટ્રોફી નથી જીતી શક્યો.

