IND vs AUS / એડિલેડ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, ડે-નાઈટ મેચમાંથી બહાર થયો આ ફાસ્ટ બોલર
ભારતે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ મેચમાં 295 રનથી ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટ

ભારતે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ મેચમાં 295 રનથી ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત હતી. આ શાનદાર જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડ ઓવલ ખાતે રમાશે. એડિલેડ ટેસ્ટ પિંક બોલથી રમાવાની છે, જેના માટે બંને ટીમો તૈયારીમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો: પિંક બોલ ટેસ્ટમાં ડેબ્યુ કરશે ટીમ ઈન્ડિયાના 5 ખેલાડીઓ, એકનું નામ જાણીને તમને પણ થશે આશ્ચર્ય
હેઝલવુડ બહાર, ટીમમાં 2 નવા ખેલાડીઓની એન્ટ્રી
જોકે બીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ સાઈડ સ્ટ્રેનને કારણે એડિલેડ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. હેઝલવુડે પર્થ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ ઈનિંગમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારત 150 રનમાં આઉટ થઈ ગયું હતું. ત્યારબાદ બીજી ઈનિંગમાં તેણે 1 વિકેટ ઝડપી હતી. ભારતે છેલ્લી વખત એડિલેડમાં મેચ રમી હતી ત્યારે હેઝલવુડે માત્ર 8 રન આપીને 5 વિકેટ લીધી હતી.
જોશ હેઝલવુડની જગ્યાએ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ એડિલેડ ટેસ્ટ મેચ માટે બે અનકેપ્ડ ફાસ્ટ બોલર સીન એબોટ અને બ્રેંડન ડોગેટને ટીમમાં સામેલ કર્યા છે. ડોગેટ અને સીન એબોટે હજુ સુધી ટેસ્ટ ડેબ્યુ કર્યું નથી. જોકે, એબોટે ઓસ્ટ્રેલિયા માટે 26 ODI અને 20 T20I મેચ રમી છે, જેમાં તેના નામે કુલ 55 વિકેટનો રેકોર્ડ છે.
જોશ હેઝલવુડની જગ્યાએ ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થશે તે લગભગ નિશ્ચિત છે. બોલેન્ડે છેલ્લે જુલાઈ 2023માં હેડિંગ્લે ખાતે ટેસ્ટ મેચ રમી હતી. જો બોલેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થાય છે તો એડિલેડમાં આ તેની બીજી ટેસ્ટ મેચ હશે. આ પહેલા તેણે 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામે આ મેદાન પર ટેસ્ટ મેચ રમી હતી.
શુભમન ગિલ સંપૂર્ણ રીતે ફિટ છે
બીજી તરફ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર એ છે કે પર્થ ટેસ્ટમાંથી બહાર થયેલા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પર્થ ટેસ્ટ પહેલા ઈન્ડિયા A સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન શુભમનને ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. હવે એવી પૂરી આશા છે કે શુભમન બીજી ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. જો શુભમન બીજી ટેસ્ટમાં રમે છે તો કેએલ રાહુલે લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવી પડશે. રાહુલે પર્થ ટેસ્ટમાં ઓપનિંગ કરી હતી, પરંતુ રોહિત શર્માની વાપસી બાદ હવે તેના માટે ઓપનિંગ સ્લોટ ઉપલબ્ધ નથી.
બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર, બ્રેંડન ડોગેટ, સીન એબોટ.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, દેવદત્ત પડિક્કલ.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું શેડ્યૂલ
- 22-26 નવેમ્બર: પહેલી ટેસ્ટ, પર્થ
- 06-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
- 14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
- 26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબર્ન
- 03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની








