પિંક બોલ ટેસ્ટમાં ડેબ્યુ કરશે ટીમ ઈન્ડિયાના 5 ખેલાડીઓ, એકનું નામ જાણીને તમને પણ થશે આશ્ચર્ય
પિંક બોલ ટેસ્ટ એટલે કે ગુલાબી બોલથી રમાતી મેચ. પિંક બોલ ટેસ્ટનો ઈતિહાસ વધુ જૂનો નથી. 2015માં ઓસ્ટ્રેલિય

પિંક બોલ ટેસ્ટ એટલે કે ગુલાબી બોલથી રમાતી મેચ. પિંક બોલ ટેસ્ટનો ઈતિહાસ વધુ જૂનો નથી. 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વખત પિંક બોલ ટેસ્ટ રમાઈ હતી. જો કે ભારતે લગભગ ચાર વર્ષ બાદ આ મેચ રમી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે વર્ષ 2019માં ભારતે બાંગ્લાદેશ સામે જે મેચ રમી હતી તે પિંક બોલ ટેસ્ટ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાનાર મેચ પિંક બોલથી રમાશે. જેમાં ભારતના 5 ખેલાડીઓ ડેબ્યુ કરતા જોવા મળી શકે છે.
આ પણ વાંચો: ટીમના તમામ 11 ખેલાડીઓએ કરી બોલિંગ, વિકેટકીપરને પણ મળી વિકેટ, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
ભારતે અત્યાર સુધીમાં 4 પિંક બોલ ટેસ્ટમાંથી ત્રણમાં જીત મેળવી
ભારતે 2019થી અત્યાર સુધી ચાર પિંક બોલ ટેસ્ટ રમી છે, જેમાંથી તે એક હારી છે અને ત્રણ જીતવામાં સફળ રહી છે. ભારતે જે પણ મેચ જીતી છે તે ઘરઆંગણે જીતી છે, જ્યારે તે જે મેચમાં હાર્યું છે તે ઓસ્ટ્રેલિયામાં જ રમાઈ હતી. તેનો અર્થ એ કે ભારતને વિદેશમાં તેની પ્રથમ પિંક બોલ ટેસ્ટ જીતની જરૂર છે. જે આસાન બનવાનું નથી. ઓસ્ટ્રેલિયા પિંક બોલ ટેસ્ટની ચેમ્પિયન ટીમ છે અને તેને આવી મેચ રમવાની આદત પણ છે. ટીમે અત્યાર સુધીમાં 12 પિંક બોલ ટેસ્ટ રમી છે અને તેમાંથી 11માં જીત મેળવી છે. એટલે કે ઓસ્ટ્રેલિયા સામે તેમની ધરતી પર પિંક બોલ ટેસ્ટ એક મોટો પડકાર છે.
રોહિત શર્મા અને શુભમન ગિલ વાપસી કરી શકે છે
ટીમ ઈન્ડિયાના સૌથી સિનિયર ખેલાડીઓમાં સામેલ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પિંક બોલ ટેસ્ટ રમી છે અને તેમાં જીત પણ મેળવી છે. આ દરમિયાન રોહિત શર્મા આ ટેસ્ટમાં વાપસી કરી રહ્યો છે, જ્યારે એવા સમાચાર છે કે શુભમન ગિલ પણ ઈજામાંથી સાજો થઈ ગયો છે. આ બંને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે. આવી સ્થિતિમાં દેવદત્ત પડિક્કલ અને ધ્રુવ જુરેલ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ શકે છે. જો એડિલેડ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં આ બે જ ફેરફાર થાય છે તો ભારતના 5 ખેલાડીઓ પિંક બોલ ટેસ્ટમાં ડેબ્યુ કરતા જોવા મળી શકે છે.
આ ભારતીય ખેલાડીઓ પ્રથમ વખત પિંક બોલ ટેસ્ટ રમશે
તમને જાણીને નવાઈ લાગશે કે કેએલ રાહુલ હજુ સુધી પિંક બોલ ટેસ્ટ નથી રમ્યો. ભલે તે લાંબા સમયથી ભારત માટે રમી રહ્યો હોય. આ સિવાય મોહમ્મદ સિરાજ પણ હજુ સુધી પિંક બોલ ટેસ્ટ નથી રમ્યો. યશસ્વી જયસ્વાલની કારકિર્દી શરુ થયાને વધુ સમય નથી થયો, તેથી તેની વાત સમજી શકાય તેવી છે. આ ત્રણ સિવાય નીતીશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણા પણ પ્રથમ વખત પિંક બોલ ટેસ્ટ રમશે, તેમણે તાજેતરમાં જ ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેનો અર્થ એ છે કે, તેમણે તેમની ટેસ્ટ કારકિર્દીના શરૂઆતના દિવસોમાં આ મોટી કસોટીમાંથી પસાર થવું પડશે. હવે જોવાનું એ રહે છે કે જે ખેલાડીઓ આવી સ્થિતિમાં રમ્યા છે અને જેઓ પહેલીવાર રમશે તેમનું પ્રદર્શન કેવું રહેશે. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચ ભારત માટે ખૂબ જ અઘરી બની શકે છે.






