IND vs AUS / ઓસ્ટ્રેલિયાને લાગ્યો વધુ એક ઝટકો, આખી ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો આ ઓલરાઉન્ડર

ભારત સામેની ODI સિરીઝ શરૂ થતા પહેલા ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે પહેલા સ્પિનર એડમ ઝમ્પા અને જોશ ઈંગ્લિસ પર્થ ODIમાંથી બહાર થયા હતા અને હવે ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન ઈજાને કારણે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ODI સિરીઝ માટે તેના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કેમેરોન ગ્રીન ઈજાને કારણે બહાર થઈ ગયો
સ્નાયુઓમાં ખેંચાણને કારણે કેમેરોન ગ્રીન ભારત સામેની ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આનું મુખ્ય કારણ એ પણ છે કે ઓસ્ટ્રેલિયન સિલેક્ટર્સ આવતા મહિને શરૂ થનારી એશિઝ સિરીઝ પહેલા કોઈ જોખમ લેવા તૈયાર નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કેમેરોન ગ્રીન રિહેબનો સમયગાળો પૂર્ણ કરશે. તે પછી, તે એશિઝ સિરીઝની તૈયારીમાં શેફિલ્ડ શીલ્ડના ત્રીજા રાઉન્ડમાં રમવાનો પ્રયાસ કરશે."
માર્નસ લાબુશેનને સ્થાન મળ્યું
કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેણે ગુરુવારે શેફિલ્ડ શીલ્ડ મેચમાં ક્વીન્સલેન્ડ માટે 159 રન બનાવ્યા હતા. આ ઘરેલું સિઝનમાં લાબુશેનની ચોથી સદી હતી.
31 વર્ષીય લાબુશેને 66 આંતરરાષ્ટ્રીય ODI રમી છે, જેમાં તેણે 34.64ની એવરેજ અને 83.56 ની સ્ટ્રાઇક રેટથી 1871 રન બનાવ્યા છે. તેણે ભારત સામે 15 ODI રમી છે, જેમાં તેણે 13 ઈનિંગ્સમાં 474 રન બનાવ્યા છે, તેમાં ચાર અડધી સદીનો પણ સમાવેશ થાય છે. લાબુશેને 2023ની વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત સામે 58 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.
ODI સિરીઝ માટે બંને ટીમોની સ્કવોડ
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.
ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન ડ્વારસુઇસ, નાથન એલિસ, માર્નસ લાબુશેન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ ઓવેન, મેટ રેનશો, મેથ્યુ શોર્ટ, મિચેલ સ્ટાર્ક, મેથ્યુ કુનેમેન અને જોશ ફિલિપ.
ODI સિરીઝનું શેડ્યૂલ
- પ્રથમ ODI - 19 ઓક્ટોબર (પર્થ)
- બીજી ODI - 23 ઓક્ટોબર (એડિલેડ)
- ત્રીજી ODI - 25 ઓક્ટોબર (સિડની)
ભારત vs ઓસ્ટ્રેલિયા ODI સિરીઝની ત્રણેય મેચ ભારતીય સમય મુજબ સવારે 9:00વાગ્યે શરૂ થશે. ટોસ સવારે 8:30 વાગ્યે થશે.

