IND vs AUS / ભારતના નવા ODI કેપ્ટન સામે હશે મોટો પડકાર, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આવો છે શુભમન ગિલનો રેકોર્ડ

ફેન્સ 19 ઓક્ટોબરથી શરૂ થતી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બધાની નજર આ ODI સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર રહેશે, ત્યારે ટીમ ઈન્ડિયાના નવા ODI કેપ્ટન શુભમન ગિલ સામે પણ મોટો પડકાર હશે. 2027 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, ગિલને આ ફોર્મેટમાં નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જેમાં તેણે હવે બેટિંગ અને કેપ્ટનશિપ બંનેને વધુ સારી રીતે સંભાળવી પડશે.
ઓસ્ટ્રેલિયા સામે ગિલનો અત્યાર સુધીનો રેકોર્ડ
શુભમન ગિલે ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધી આઠ ODI મેચ રમી છે, અને તેમનું પ્રદર્શન એટલું ખાસ નથી રહ્યું. 8 ઈનિંગ્સમાં, ગિલે 35ની એવરેજથી 280 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં ગિલનો હાઈએસ્ટ સ્કોર 104 રન છે, જ્યારે તેની સ્ટ્રાઇક રેટ 93.65 રહીછે. શુભમન ગિલ ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી માત્ર એક જ ODI મેચ રમ્યો છે, જે 2020માં બંને ટીમો વચ્ચેની ODI સિરીઝ દરમિયાન હતી. ગિલને મનુકા ઓવલ ખાતે રમાયેલી મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે 33 રન બનાવ્યા હતા.
ગિલનું 2025માં અત્યાર સુધીનું બેટિંગ ફોર્મ
શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકેનું પદ સંભાળ્યું ત્યારથી, તેનું બેટ ખૂબ ચાલ્યું છે. ફેન્સ તેની પાસેથી ODIમાં પણ આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. ગિલ 2025માં અત્યાર સુધી રમાયેલી ODI મેચમાં ઉત્તમ ફોર્મમાં રહ્યો છે, તેણે 8 મેચમાં 63.86ની એવરેજ સરેરાશથી 447 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.

