Women's World Cup 2025 / ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં નિશ્ચિત કર્યું પોતાનું સ્થાન, ભારત માટે મુશ્કેલ બન્યો આગળનો રસ્તો

એલિસા હેલીના નેતૃત્વ હેઠળની ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમનું ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025માં શાનદાર જોવા મળ્યું છે. ટીમે વિશાખાપટ્ટનમમાં બાંગ્લાદેશ વિમેન્સ ટીમ સામેની મેચ 10 વિકેટથી જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. પહેલા બોલિંગ કરતા, ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમે બાંગ્લાદેશને 50 ઓવરમાં 198 રન સુધી મર્યાદિત કર્યું અને તે પછી 24.5 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કરી લીધો.
ટીમ ઈન્ડિયા માટે આગળનો રસ્તો મુશ્કેલ બની ગયો
ઓસ્ટ્રેલિયન ટીમે ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025ની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, ત્યારે ટીમ ઈન્ડિયા માટે આગળનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે. ભારતીય વિમેન્સ ટીમ હાલમાં 4 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે, ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે, જેમાંથી બેમાં જીતી છે અને બેમાં હારનો સામનો કર્યો છે. પરિણામે, ટુર્નામેન્ટમાં બાકી રહેલી આગામી ત્રણ મેચ ટીમ ઈન્ડિયા માટે મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. ટીમ હવે ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સામનો કરશે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં સરળતાથી સ્થાન મેળવવા માટે ત્રણેય મેચ જીતવી પડશે.
ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા મજબૂત સ્થિતિમાં, ન્યુઝીલેન્ડ પણ રેસમાં
ઓસ્ટ્રેલિયાના સેમીફાઈનલમાં પહોંચતા જ બાકીના ત્રણ સ્થાનો માટે ભારત સાથે ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ મજબૂત દાવેદાર લાગે છે. ઈંગ્લેન્ડ હાલમાં 7 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, જ્યારે સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ 6 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ન્યુઝીલેન્ડની વિમેન્સ ટીમ પાસે હાલમાં 4 મેચમાંથી ફક્ત 3 પોઈન્ટ છે, પરંતુ જો તે તેની બાકીની ત્રણેય મેચ જીતી લેવામાં સફળ થાય છે, તો તે લગભગ સેમીફાઈનલમાં સ્થાન મેળવશે. આ ઉપરાંત, જો આપણે પોઈન્ટ્સ ટેબલમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાની વિમેન્સ ટીમની વાત કરીએ, તો ત્રણેય સેમીફાઈનલમાં પહોંચવાની રેસમાંથી લગભગ બહાર થઈ ગયા છે.

