IND vs AUS / ભારત સામેની સિરીઝ પહેલા જ ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, એક સાથે 2 ખેલાડી થઈ ગયા બહાર

વેસ્ટ ઈન્ડિઝ સામે હોમ ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 ODI અને 5 T20I મેચની સિરીઝ રમશે, જોકે, ઓસ્ટ્રેલિયાને સિરીઝ પહેલા મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની કમબેક સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા તેની બેસ્ટ ટીમ ઉતારવાનો ઈરાદો ધરાવે છે, પરંતુ બે સ્ટાર ખેલાડીઓના ટીમમાંથી બહાર થવાથી હવે ફેરફારો કરવા પડશે. ઓસ્ટ્રેલિયન ટીમે હવે બે સ્ટાર ખેલાડીઓના સ્થાને અન્ય ખેલાડીઓની જાહેરાત કરી છે. બંને ખેલાડીઓનું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન લગભગ નિશ્ચિત છે.
બે સ્ટાર ખેલાડીઓ પર્થ ODIમાંથી બહાર
ભારત સામેની સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર સ્પિનર એડમ ઝમ્પા અને જોશ ઈંગ્લિસ પર્થ ODIમાંથી બહાર થયા છે. એડમ ઝમ્પા બીજી વખત પિતા બનાવાનો છે, જેના કારણે તે બીજી ODIથી જ ઓસ્ટ્રેલિયન ટીમ સાથે જોડાઈ શકે છે. પ્રથમ ODI માટે તેમના સ્થાને મેથ્યુ કુહનેમનનું નામ આપવામાં આવ્યું છે. જોકે, ઝમ્પાની વાપસી પછી કુહનેમનને રિલીઝ કરવામાં આવશે. ઝમ્પાની ગેરહાજરી ઓસ્ટ્રેલિયાની બોલિંગને નબળી પાડી શકે છે. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ દરમિયાન પગની પિંડીમાં થયેલી ઈજાને કારણે જોશ ઈંગ્લિસ પ્રથમ ODIમાંથી બહાર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે બીજી ODI પહેલા ફિટ થઈ જશે અને ટીમમાં ફરી જોડાશે.
આ યુવા ખેલાડીને ટીમમાં તક મળી
જોશ ઈંગ્લિસના સ્થાને જોશ ફિલિપ ટીમમાં પાછો ફર્યો છે. એલેક્સ કેરી હાલમાં એશિઝ સિરીઝની તૈયારી માટે ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે, જેના કારણે જોશ ફિલિપને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. ફિલિપને પણ પ્રથમ ODI માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તે નિશ્ચિત લાગે છે. આ સિવાય કેપ્ટન પેટ કમિન્સને પણ આ સિરીઝ માટે ટીમ સામેલ નથી કરવામાં આવ્યો. ઈજાને કારણે કમિન્સ ODI સિરીઝનો ભાગ નથી. તેના બદલે મિચેલ માર્શને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કમિન્સ એશિઝ સિરીઝ માટે મેદાનમાં પાછો ફરી શકે છે.

