ભારતને વર્લ્ડ કપ ટાઈટલ જીતાડવામાં આ 3 ખેલાડીઓએ ભજવી મહત્ત્વપૂર્ણ ભૂમિકા, જાણો કેવી રીતે બની ગેમ ચેન્જર

ભારતીય વિમેન્સ ટીમે ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં ઈતિહાસ રચ્યો છે. નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો. આ જીત ભારતીય વિમેન્સ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ભવ્ય ક્ષણોમાંથી એક બની ગઈ છે, જેમાં ટીમની ત્રણ ખેલાડીઓ - અમનજોત કૌર, દીપ્તિ શર્મા અને શેફાલી વર્મા એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
શેફાલીનું શાનદાર પ્રદર્શન
ઓપનર શેફાલી વર્માએ પોતાની આક્રમક બેટિંગથી ટીમને મજબૂત શરૂઆત અપાવી. તેણે 78 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 87 રન બનાવ્યા હતા. બેટિંગની ઉપરાંત શેફાલીએ બોલ સાથે પણ પોતાની પ્રતિભા બતાવી અને બે મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી. ફાઈનલ જેવી મોટી મેચમાં તેનું ઓલરાઉન્ડ પ્રદર્શન ભારતની જીતનો પાયો સાબિત થયું અને આ માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ પણ મળ્યો.
દીપ્તિ શર્મા 'મેચ વિનર' બની
દીપ્તિ શર્માએ ફરી એકવાર સાબિત કર્યું કે તે ટીમ ઈન્ડિયાની સૌથી વિશ્વસનીય ખેલાડી છે. તેણે માત્ર 58 રનની ઉપયોગી ઈનિંગ નહતી રમી, પરંતુ તેની બોલિંગથી સાઉથ આફ્રિકાની ટીમને ઘૂંટણિયે પણ લાવી દીધી હતી. દીપ્તિએ 9.3 ઓવરમાં માત્ર 39 રન આપીને 5 વિકેટ લીધી. આ સ્પેલ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો, જેનાથી સાઉથ આફ્રિકાની ઈનિંગ માત્ર 246 રનમાં સમેટાઈ ગઈ.
માત્ર ફાઈનલમાં જ નહીં દીપ્તિએ આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 9 ઈનિંગ્સમાં 20.41ની એવરેજ સાથે 22 વિકેટ લીધી હતી. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓની લિસ્ટમાં ટોપ પર રહી હતી. આ સિવાય તેણે બેટથી પણ યોગદાન આપ્યું હતું, તેણે 9 મેચની 7 ઈનિંગ્સમાં 30.71ની એવરેજથી 215 રન બનાવ્યા હતા. તેના આ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવી હતી.
અમનજોતની ફિલ્ડિંગ
ફાઈનલમાં અમનજોત કૌરની ફિલ્ડિંગ અસાધારણ હતી. જ્યારે સાઉથ આફ્રિકાની ઓપનિંગ જોડી ખતરનાક બની રહી હતી, ત્યારે અમનજોતે બુલેટ થ્રોથી તંજમિન બ્રિટ્સને રનઆઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી. ત્યારબાદ તેણે સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડનો શાનદાર કેચ પકડ્યો, જેનાથી મેચ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. આ બે નિર્ણાયક ક્ષણો ભારતની જીતમાં વાસ્તવિક 'ગેમ ચેન્જર' સાબિત થઈ.
સાઉથ આફ્રિકાની સારી શરૂઆત વ્યર્થ ગઈ
સાઉથ આફ્રિકાએ રન ચેઝની શરૂઆત સારી કરી હતી. કેપ્ટન લૌરા વોલ્વાર્ડ અને તંજમિન બ્રિટ્સે પહેલી વિકેટ માટે 51 રનની પાર્ટનરશિપ કરી, પરંતુ ભારતીય બોલર્સે વાપસી કરી. સુને લુસ (25) અને એનીરી ડર્કસેન (35) એ પ્રયાસ કર્યો પરંતુ દીપ્તિ શર્માના સ્પિનમાં ફસાઈ ગયા.

