T20 World Cup 2026 / વોર્મઅપ મેચમાં ઈન્ડિયા-ઇટલીની જીત, પહેલા દિવસે આ ટીમોને મળી હાર

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે. વર્લ્ડ કપ પહેલા બધી ટીમો વોર્મઅપ મેચ રમી રહી છે. વોર્મઅપ મેચના પહેલા દિવસે કુલ ત્રણ મેચ રમાઈ હતી. પ્રથમ દિવસની પહેલી વોર્મઅપ મેચમાં અફઘાનિસ્તાને સ્કોટલેન્ડને 61 રનથી હરાવ્યું હતું. દિવસની બીજી મેચમાં ઈન્ડિયા-A એ USAને 38 રનથી હરાવ્યું હતું. દિવસની છેલ્લી મેચમાં ઇટલીએ કેનેડાને 10 રનથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાન, ઈન્ડિયા-A અને ઇટાલીએ જીત સાથે શરૂઆત કરી છે.
અફઘાનિસ્તાને પ્રથમ મેચમાં સ્કોટલેન્ડને હરાવ્યું
અફઘાનિસ્તાને BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ 1 ખાતે સ્કોટલેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ વોર્મઅપ મેચ 61 રનથી જીતી હતી. 2 ફેબ્રુઆરીના રોજ રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સ્કોટલેન્ડ 20 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. માઈકલ જોન્સ અને મેથ્યુ ક્રોસે સૌથી વધુ 21-21 રન બનાવ્યા હતા.
ઈન્ડિયા-A એ USAને 38 રનથી હરાવ્યું
ઈન્ડિયા-A અને USA વચ્ચેની મેચ વિશે વાત કરીએ તો ઈન્ડિયા-A એ શાનદાર બેટિંગ પ્રદર્શન દર્શાવ્યું અને નારાયણ જગદીસનની સદીને કારણે 20 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 238 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જગદીસને 55 બોલમાં 104 રન બનાવ્યા હતા. 239 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી USAની ટીમે સારા પ્રયાસ કર્યા અને 19.4 ઓવરમાં 200 રનનો સન્માનજનક સ્કોર હાંસલ કરવામાં સફળ રહી, પરંતુ અંતે 38 રનથી હારી ગઈ. ઈન્ડિયા-A તરફથી રવિ બિશ્નોઈએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તેના સિવાય ખલિલ અહેમદ અને નમન ધીરે 2-2 વિકેટ લીધી હતી.
ઇટલીએ રોમાંચક મેચમાં કેનેડાને 10 રનથી હરાવ્યું
T20 વર્લ્ડ કપ 2026ની ત્રીજી વોર્મઅપ મેચમાં ઇટલીએ કેનેડા સામે 10 રનના નાના માર્જિનથી જીત મેળવી હતી. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા ઇટલીએ 4 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કેનેડા નિર્ધારિત ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 146 રન જ બનાવી શક્યું. કેનેડા તરફથી યુવરાજ સિંહે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા, જેમાં 1 છગ્ગો અને 5 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

