WPL 2026 / યુપી વોરિયર્સને હરાવીને એલિમિનેટરમાં પહોંચ્યું દિલ્હી કેપિટલ્સ, હવે ગુજરાત સામે ટકરાશે

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની છેલ્લી લીગ સ્ટેજ મેચ યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીએ 5 વિકેટથી જીત મેળવીને એલિમિનેટરમાં સ્થાન મેળવી લીધું છે. હવે તે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સનો સામનો કરશે. ટેબલ ટોપર્સ RCB પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ગયું છે.
આ મેચમાં યુપીની બેટ્સમેનોએ પહેલા બેટિંગ કરતા ખરાબ પ્રદર્શન કર્યું અને ફક્ત 122 રન જ બનાવી શકી. દિલ્હીએ 123 રનનોટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો અને 5 વિકેટથી મેચ જીતી લીધી. આ જીત સાથે તેણે એલિમિનેટરમાં જગ્યા બનાવી લીધી છે અને હવે તે ફાઈનલમાં પહોંચવા માટે ગુજરાતનો સામનો કરશે.
યુપી વોરિયર્સની નબળી બેટિંગ
આ મેચમાં યુપીની બેટ્સમેનોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. આખી ટીમ 20 ઓવરમાં ફક્ત 122 રન જ બનાવી શકી, જેના કારણે દિલ્હી સામે એક નાનો ટાર્ગેટ હતો. યુપી તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. શિખા પાંડેએ પણ અણનમ 23 રન બનાવ્યા હતા. યુપી તરફથી અન્ય કોઈ ખેલાડી મોટો સ્કોર ન કરી શકી, જેના કારણે સ્કોર 122 રન પર અટકી ગયો.
દિલ્હી માટે અનુભવી ઓલરાઉન્ડર મરિઝાન કાપે શાનદાર બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી. શ્રી ચારણીએ પણ સારી બોલિંગ કરી અને 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ કારણે યુપી મોટો સ્કોર ન બનાવી શક્યું.
દિલ્હી કેપિટલ્સે મેચ જીતી લીધી
મેચમાં 123 રનનો ટાર્ગેટ ચેઝ કરતા દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી, ટીમે 11 રન પર તેની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. જોકે સ્ટાર બેટ્સમેન લૌરા વોલ્વાર્ડે 36 બોલમાં શાનદાર 47 રન બનાવીને ઈનિંગને સ્થિર કરી. કેપ્ટન જેમિમા રોડ્રિગ્સે પણ 18 બોલમાં અણનમ 34 રન બનાવ્યા, જેનાથી દિલ્હીને 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ સુધી પહોંચવામાં મદદ મળી. હવે તે 3 ફેબ્રુઆરીએ એલિમિનેટરમાં ગુજરાત જાયન્ટ્સનો સામનો કરશે. જો દિલ્હી ગુજરાતને હરાવીને ફાઈનલમાં પહોંચે છે તો આ તેની સતત ચોથી ફાઈનલ હશે. દિલ્હી કેપિટલ્સ WPLમાં અત્યાર સુધી રમાયેલી દરેક સિઝનમાં ફાઈનલમાં પહોંચી છે. જોકે, તે હજુ સુધી ટાઈટલ નથી જીતી શકી.

