Australian Open 2026 / કાર્લોસ અલ્કારાઝે જીત્યું મેન્સ સિંગલ્સનું ટાઈટલ, નોવાક જોકોવિચને આપી એકતરફી માત

સ્પેનિશ ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ઓસ્ટ્રેલિયન ઓપન 2026 જીતીને ઈતિહાસ રચ્યો છે. આ તેની કરિયરનું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ છે. કાર્લોસ અલ્કારાઝે ફાઈનલમાં અનુભવી ખેલાડી નોવાક જોકોવિચને હરાવ્યો, જે તેના 25મા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલની શોધમાં હતો. અલ્કારાઝે 88 વર્ષ પછી ડોન બજનો રેકોર્ડ તોડ્યો. આ ભલે અલ્કારાઝનું પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ છે, પરંતુ તે અગાઉ છ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂક્યો છે.
કાર્લોસ અલ્કારાઝે ફાઈનલમાં સર્બિયાના નોવાક જોકોવિચને 2-6, 6-2, 6-3, 7-5થી હરાવીને તેનું સાતમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ અને તેનું પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યું. 22 વર્ષ અને 272 દિવસની ઉંમરે તે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરનાર ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
કાર્લોસ અલ્કારાઝે પૂર્ણ કર્યો કરિયર ગ્રાન્ડ સ્લેમ
કાર્લોસ અલ્કારાઝે અગાઉ વિમ્બલ્ડન (2023, 2024), ફ્રેન્ચ ઓપન (2024, 2025), યુએસ ઓપન (2022, 2025) જીત્યા હતા. હવે તેણે ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને અલ્કારાઝે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કર્યું છે. કાર્લોસ અલ્કારાઝ કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરનાર સૌથી નાની ઉંમરનો પુરૂષ ખેલાડી છે. અલ્કારાઝે ડોન બજનો 88 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 22 વર્ષ અને 363 દિવસની ઉંમરે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કર્યો હતો. અલ્કારાઝે 22 વર્ષ અને 272 દિવસની ઉંમરે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
કાર્લોસ અલ્કારાઝ પહેલા આ ખેલાડીઓએ કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કર્યો છે
કાર્લોસ અલ્કારાઝ પહેલા ડોન બજ, રોડ લેવર, રોય અમર્સન, આન્દ્રે અગાસી, રોજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જોકોવિચે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કર્યા છે. જ્યારે કોઈ ખેલાડી પોતાના કરિયરમાં ટેનિસની ચારેય મુખ્ય ટુર્નામેન્ટ જીતી લે છે, ત્યારે તેને કરિયર ગ્રાન્ડ સ્લેમ કહેવામાં આવે છે. આ ચાર મુખ્ય ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન છે.

