SRH ટીમની માલકીન કાવ્યા મારન અને અનિરુદ્ધ રવિચંદર લગ્નના બંધનમાં બંધાયા, સામે આવી પહેલી તસવીર

જાણિતા મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની માલિક કાવ્યા મારને પોતાના જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી છે. બંનેના લગ્નની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવતા જ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેર કરેલી તસવીરમાં આ નવપરિણીત જોડી એકબીજા સાથે ખૂબ જ સુંદર અને રોયલ અંદાજમાં નજરે પડી રહી છે.
કાવ્યા-અનિરુદ્ધનો રોયલ લુક વાયરલ
સામે આવેલી તસવીરમાં અનિરુદ્ધ અને કાવ્યા એકબીજાનો હાથ પકડીને ફૂલોની વર્ષા વચ્ચે ચાલતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં સફેદ અને પીળા ફૂલોથી સજાવેલો ભવ્ય મંડપ આ ક્ષણને વધુ યાદગાર બનાવી રહ્યો છે. અનિરુદ્ધે પોતાના લગ્ન માટે ક્લાસિક લુક પસંદ કર્યો હતો. તેણે આઇવરી કલરનો કુર્તો અને મેચિંગ વેષ્ટી પહેરી છે, જેની ઉપર બારીક એમ્બ્રોઇડરી કરેલું લોંગ જેકેટ પહેરેલું છે. રિપોર્ટ્સ અનુસાર, આ ગોલ્ડ ડિટેઇલિંગવાળી ઓફ-વ્હાઇટ શેરવાની જેવો રોયલ લુક આપે છે.
કાવ્યા મારનનો રોયલ બ્રાઇડલ અંદાજ
બીજી તરફ, કાવ્યા મારને આ ખાસ દિવસ માટે બ્લશ-પિંક કલરનો લહેંગો પસંદ કર્યો હતો, જેના પર ડિટેઇલ્ડ એમ્બ્રોઇડરી અને સિક્વિન વર્ક થયેલું છે. આ આઉટફિટ સાથે તેણે મેચિંગ બ્લાઉઝ, સ્ટેટમેન્ટ ચોકર નેકલેસ અને ભારે ઇયરરિંગ્સ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. ખુલ્લા વેવી હેરસ્ટાઇલે તેના આખા બ્રાઇડલ લુકને અત્યંત સોફ્ટ અને આકર્ષક બનાવ્યો છે.
11.11 કેપ્શને જીત્યા ચાહકોના દિલ
આ તસવીર સાથે લખેલી લાઇન 'My once in a lifetime, for a lifetime' ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે, જેનો અર્થ જીવનભર સાથ નિભાવનારા ખાસ જીવનસાથી સાથે થાય છે. આ સાથે લખાયેલું 11.11 આ ખાસ તારીખ અને સમયને જીવનભર માટે યાદગાર બનાવે છે. બંનેની તસવીરમાં જોવા મળતી સાદગી અને પ્રેમે લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને હવે ફેન્સ આ ભવ્ય લગ્નની વધુ તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ક્રિકેટ અને સિનેમા જગતનો અનોખો સંગમ
અનિરુદ્ધ રવિચંદર પોતાના સંગીતના જાદુથી લાખો દિલો પર રાજ કરે છે, ત્યારે હવે તેના જીવનમાં પ્રેમના નવા સૂર ઉમેરાયા છે. બીજી તરફ કાવ્યા મારન IPL દરમિયાન સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને ઉત્સાહપૂર્વક ચીયર કરવા માટે જાણીતી છે. ક્રિકેટ અને સિનેમા જગતની આ બે મોટી હસ્તીઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ તરફથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.








