મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / ટીમ ઈન્ડિયાને મળી જીત, છતાં પણ ચાલુ રહી મેચ, ઓસ્ટ્રેલિયામાં આ શું થયું?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિય

IND vs AUS / ટીમ ઈન્ડિયાને મળી જીત, છતાં પણ ચાલુ રહી મેચ, ઓસ્ટ્રેલિયામાં આ શું થયું?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ કેનબેરાના મનુકા ઓવલ ખાતે પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે 2 દિવસીય વોર્મ-અપ મેચ રમી હતી. પિંક બોલથી રમાયેલી આ ડે-નાઈટ મેચમાં ટીમ ઈન્ડિયાએ સરળતાથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓએ આ મેચમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મહત્ત્વપૂર્ણ મેચ પહેલા પોતાની તૈયારીઓને મજબૂત કરી હતી.

આ પણ વાંચો: WTCના પોઈન્ટ્સ ટેબલમાં ફરી ફેરફાર, ફાઈનલની રેસમાં આગળ નીકળી આ ટીમ, ભારત-ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

હર્ષિત રાણા બોલિંગમાં ચમક્યો હતો, તો બીજી બાજુ શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને નીતિશ કુમાર રેડ્ડીએ બેટિંગમાં પોતાની છાપ છોડી હતી. જોકે ટીમ ઈન્ડિયાની જીત બાદ પણ મેચ ચાલુ રહી હતી. આ એક વોર્મ-અપ મેચ હતી, તેથી ટાર્ગેટ ચેઝ કર્યા પછી પણ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ બેટિંગ ચાલુ રાખી અને પૂરી 46 ઓવર રમી હતી.

પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે ભારતની જીત

ટીમ ઈન્ડિયા અને પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વચ્ચે રમાયેલી આ મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આવી સ્થિતિમાં, રમતના બીજા દિવસે 50-50 ઓવરની મેચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ બીજા દિવસે પણ વરસાદના કારણે રમતમાં વિક્ષેપ પડ્યો હતો, ત્યારબાદ મેચને 46-46 ઓવરની કરવામાં આવી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન માત્ર 43.2ઓવરમાં જ 240 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

19 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સેમ કોન્સટસે આ દરમિયાન શાનદાર સદી ફટકારી હતી. તેણે 97 બોલમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા. જ્યારે હર્ષિત રાણા ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ બોલર હતો. તેણે 6 ઓવરમાં 44 રન આપ્યા અને 4 વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ 6 બોલના ગાળામાં જ આ 4 વિકેટ ઝડપી હતી. તેના સિવાય આકાશ દીપને 2 સફળતા મળી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન

ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 241 રનનો ટાર્ગેટ હતો. ટીમ ઇન્ડિયા માટે યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ઓપનિંગ કરી, બંને ખેલાડીઓ તરફથી સારી ઈનિંગ જોવા મળી હતી. રાહુલે 44 બોલમાં 27 રન બનાવ્યા હતા અને યશસ્વી જયસ્વાલે 59 બોલમાં 45 રનની ઈનિંગ રમી હતી. આ પછી શુભમન ગિલે પણ ઈજામાંથી પાછા ફર્યા બાદ શાનદાર ઈનિંગ રમી હતી, તેણે 62 બોલમાં 50 રન બનાવ્યા. નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરની 42-42 રનની ઝડપી ઈનિંગ્સ પણ જોવા મળી હતી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ રન ચેઝમાં 27 રનનું યોગદાન આપ્યું હતું, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

આ સમાચાર શેર કરો