કોલકાતા ટેસ્ટમાં મળેલી હારથી ભારતને થયું નુકસાન, WTC પોઈન્ટ્સ ટેબલમાં આ નંબર પર પહોંચી ટીમ

ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી સિરીઝની પ્રથમ મેચના ત્રીજા દિવસે, ટીમ ઈન્ડિયાને ચોથી ઈનિંગમાં 124 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેની બીજી ઈનિંગ ફક્ત 93 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના પરિણામે ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે, ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં પણ નુકસાન થયું છે, જેના કારણે તે ચોથા સ્થાને ધકેલાઈ ગઈ છે.
ભારતીય ટીમની WTCમાં પરિસ્થિતિ
સાઉથ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શરૂ થયા પહેલા ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને હતી. કોલકાતા ટેસ્ટમાં હાર બાદ, ભારતીય ટીમ હવે 54.17ની ટકાવારી સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમે આ WTC ચક્રમાં કુલ આઠ મેચ રમી છે, જેમાં ચાર જીતી છે અને ત્રણ હારી છે.
બીજી બાજુ, કોલકાતા ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની જીતથી તેને ફાયદો થયો છે, જે તેને ચોથા સ્થાનેથી બીજા સ્થાને લઈ ગઈ છે. આફ્રિકન ટીમે આ WTC ચક્રમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાં બે જીતી છે અને એક હારી છે. પરિણામે, તેની ટકાવારી હાલમાં 66.67 છે.
ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચોથા ચક્રનું પોઈન્ટ્સ ટેબલ જોતાં ઓસ્ટ્રેલિયા 100 ટકાવારી સાથે ટોપ પર છે. શ્રીલંકા 66.67ની ટકાવારી સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન 50ની ટકાવારી સાથે પાંચમા ક્રમે છે. ઈંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને છે, તેની ટકાવારી 43.33 છે. છેલ્લા ત્રણ સ્થાન પર બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડ છે, જેમાંથી ફક્ત કિવી ટીમ આ WTC ચક્રમાં એક પણ મેચ નથી રમી નથી.

