IND vs NAM / એક મુકાબલો, ઘણા રેકોર્ડ્સ... ટીમ ઈન્ડિયાએ નામિબિયા સામેની મેચમાં રચ્યો ઈતિહાસ

ભારતે T20 વર્લ્ડ કપ 2026માં નામિબિયાને 93 રનથી હરાવ્યું, આ સાથે ટીમે ટુનાર્મેન્ટમાં માત્ર સતત બીજી જીત જ નથી નોંધાવી, પરંતુ રેકોર્ડ બુકમાં ઘણા નવા રેકોર્ડ્સ પણ ઉમેર્યા છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 209 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં નામિબિયા માત્ર 116 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું. આ જીત મહત્ત્વપૂર્ણ હતી, પરંતુ આ મેચમાં બનેલા રેકોર્ડ તેનાથી પણ મોટા હતા.
ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઝડપી ટીમ સદી
ભારતે આક્રમક શરૂઆત કરી માત્ર 6.5 ઓવરમાં 100 રન પૂરા કર્યા. T20 વર્લ્ડ કપમાં કોઈપણ ટીમ દ્વારા આ સૌથી ઝડપી ટીમ સદી છે. પાવરપ્લેમાં સતત બાઉન્ડ્રી અને સ્ટ્રોક-પ્લેએ વિરોધી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી.
વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી જીત (રન દ્વારા)
આ 93 રનની જીત T20 વર્લ્ડ કપમાં રન માર્જિનને ધ્યાનમાં રાખતા ભારતની સૌથી મોટી જીત બની. આ પહેલા ટીમની સૌથી મોટી જીત 90 રનની હતી, જ્યારે તેણે 2012માં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ પરિણામ બેટિંગ અને બોલિંગ બંને વિભાગોમાં ભારતનું મજબૂત બેલેન્સ દર્શાવે છે.
T20Iમાં 47મો 200+ સ્કોર
209 રન સાથે ભારતે T20 ક્રિકેટમાં 47મી વખત 200 કે તેથી વધુ રન બનાવ્યા હતા. આ આંકડો દર્શાવે છે કે ટીમની બેટિંગ ઊંડાઈ કેટલી પ્રભાવશાળી છે. ભારત પછી સાઉથ આફ્રિકાએ 29 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.
સતત 10મી વર્લ્ડ કપ જીત
આ જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતવાનો રેકોર્ડ પણ હાંસલ કર્યો છે. મોટી ટુર્નામેન્ટમાં સાતત્ય સૌથી મોટી તાકાત છે અને આ સિલસિલો ટીમના આત્મવિશ્વાસને વધારશે. ટીમ ઈન્ડિયા આ કારનામું કરનાર પહેલી ટીમ બની છે.
ઈશાનની તોફાની અડધી સદી
આ મેચમાં ઈશાન કિશને માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદીની યાદીમાં સ્થાન મેળવ્યું. તેની ઈનિંગે શરૂઆતની ઓવર્સમાં મેચનો ટોન સેટ કર્યો. ઝડપી શરૂઆતથી અન્ય બેટ્સમેનોને મુક્તપણે રમવા માટે પ્લેટફોર્મ મળ્યું.
આ મેચ ફક્ત બે પોઈન્ટની જીત નહતી, પરંતુ ટીમ ઈન્ડિયાની તાકાત, આક્રમક અભિગમ અને રેકોર્ડ તોડવાની ક્ષમતાનું પ્રદર્શન હતું. હવે આગામી પડકાર મોટો છે, પરંતુ નામિબિયા સામે બનેલી ગતિ ભારતને આગળ વધવામાં આત્મવિશ્વાસ આપશે.

