Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sourav Ganguly gives advice to Vaibhav Suryavanshi

VIDEO: IPL 2026માં તરખાટ મચાવનાર વૈભવ સૂર્યવંશી સામે હવે હશે આ મોટા પડકારો, સૌરવ ગાંગુલીએ આપી ખાસ સલાહ

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં પોતાના બેટથી ધમાકો મચાવનાર 15 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આખી દુનિયાને પ્રભાવિત કરી છે. આ સિઝનમાં ટોપ સ્કોરર બન્યા બાદ તેને ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની આગામી T20 સિરીઝ તેમજ એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવ ટૂંક સમયમાં જ ઈન્ટરનેશનલ ડેબ્યુ કરવા માટે તૈયાર છે, પરંતુ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરતાની સાથે જ તેની સામે 3 મોટા પડકારો હશે. આ બાબતે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ખુલ્લીને વાત કરી છે અને ફેન્સને એક ખાસ સલાહ આપી છે.

App Store

ગાંગુલીએ સ્પષ્ટ કર્યું છે કે ઈન્ડિયા ડેબ્યુ પર વૈભવ પાસેથી તરત જ બહુ મોટી અપેક્ષાઓ ન રાખવી જોઈએ, પરંતુ તેને મેદાન પર મુક્ત થઈને રમવાની આઝાદી આપવી જોઈએ. ભારતની પિચો પર રનનો અંબાર લગાવનાર આ યુવા ખેલાડી માટે વિદેશી ધરતી પર પરિસ્થિતિઓ સાવ અલગ હશે.

પડકાર 1: વિદેશી પિચો પર ઝડપી બાઉન્સ અને સીમ મૂવમેન્ટ

સૌરવ ગાંગુલીએ વૈભવ સામેના સૌથી મોટા પડકાર વિશે વાત કરતા કહ્યું, "વૈભવ હવે એવા પ્રવાસો પર જવાનો છે જ્યાં પિચો પર સીમ મૂવમેન્ટ જોવા મળશે. વિદેશમાં નવી બોલ સાથે બોલર્સને વધુ બાઉન્સ અને મૂવમેન્ટ મળશે, તેથી ત્યાં રમત ભારત કરતા સાવ અલગ હશે. જોકે, વૈભવમાં અદ્ભુત ટેલેન્ટ છે પરંતુ વિદેશી પિચો પર પોતાની જાતને સાબિત કરવી તેના માટે એક મોટો પડકાર રહેશે."

પડકાર 2: બેટિંગની શૈલી અને અભિગમમાં ફેરફાર

IPLના ફ્લેટ ટ્રેક પર વૈભવે બેધડક બેટિંગ કરી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અને ખાસ કરીને ઈંગ્લેન્ડ જેવી કન્ડિશન્સમાં તેને પોતાની બેટિંગની શૈલી બદલવી પડી શકે છે. બોલ સ્વીંગ થાય ત્યારે ક્રિઝ પર ટકી રહેવું અને પરિસ્થિતિ મુજબ પોતાની આક્રમકતા પર કંટ્રોલ રાખવો એ તેના માટે બીજો મોટો પડકાર સાબિત થશે.

પડકાર 3: ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ફેન્સની અપેક્ષાઓનું દબાણ

માત્ર 15 વર્ષની ઉંમરે કરોડો ક્રિકેટ ફેન્સની અપેક્ષાઓનું દબાણ સહન કરવું સરળ નથી હોતું. ગાંગુલીએ આ અંગે ફેન્સને એલર્ટ કરતા કહ્યું, "તેને બસ પોતાની નેચરલ રમત રમવા દો, તેના પર તરત જ મોટી ઈનિંગ્સ રમવાનું પ્રેશર ન બનાવો. તેને ટીમમાં સેટલ થવા માટે થોડો સમય આપવો જરૂરી છે. મને નથી લાગતું કે તે અત્યારે દબાણ વિશે બહુ વિચારતો હશે, જે આપણે IPLમાં પણ જોયું છે. પરંતુ ભારત માટે રમવું એ IPL કરતા સાવ અલગ બાબત છે."

IPL 2026માં વૈભવે રચ્યો હતો ઈતિહાસ

વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં પોતાની આક્રમક બેટિંગથી અનેક મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત કર્યા હતા. તે IPLના ઈતિહાસની કોઈ એક સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ સિઝનમાં કુલ 72 સિક્સ ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. આ ઉપરાંત જુનિયર ક્રિકેટમાં પણ તેના નામે ઘણા મોટા સ્કોર અને રેકોર્ડ્સ નોંધાયેલા છે.