શ્રેયસ અય્યરના નામે જોડાયો શરમજનક રેકોર્ડ, ODI કેપ્ટનશિપ ડેબ્યુમાં ગોલ્ડન ડક પર આઉટ થનાર પ્રથમ ભારતીય બન્યો

શ્રેયસ અય્યરના ODI કેપ્ટનશિપ ડેબ્યુની શરૂઆત તેના T20I ડેબ્યુ કરતાં પણ ખરાબ થઈ. તેની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયાને T20Iમાં આયર્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો. હવે શુભમન ગિલની ગેરહાજરીમાં જ્યારે શ્રેયસ અય્યરને ન્યુઝીલેન્ડ સામે ચોથી ODIમાં પહેલીવાર ભારતીય ODI ટીમનું નેતૃત્વ કરવાની તક આપવામાં આવી, ત્યારે ભારતને તેની કેપ્ટનશિપ હેઠળ 244 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ ODI ઈતિહાસમાં ભારતનો બીજો સૌથી મોટો પરાજય છે. વધુમાં, શ્રેયસ આ મેચમાં પોતાનું ખાતું પણ ન ખોલી શક્યો. આ સાથે શ્રેયસ અય્યરે એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો, જે અગાઉ કોઈ ભારતીય કેપ્ટને હાંસલ નહતો કર્યો.
શ્રેયસ અય્યરનો શરમજનક રેકોર્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ચોથી ODI શ્રેયસ અય્યરે માટે એક દુઃસ્વપ્નથી ઓછી નહતી. આ મેચ લાંબા સમય સુધી યાદ રહેશે. ODIમાં પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી રહેલો શ્રેયસ ગોલ્ડન ડકનો શિકાર બન્યો. તે ખાતું ખોલ્યા વિના પહેલા જ બોલે આઉટ થઈ ગયો. આ તેના ODI કેપ્ટનશિપ ડેબ્યુમાં એક અનિચ્છનીય રેકોર્ડ છે. શ્રેયસ ODI કેપ્ટનશિપ ડેબ્યુમાં શૂન્ય પર આઉટ થનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો.
રોહિત અને વિરાટનું આવું રહ્યું હતું પ્રદર્શન
અગાઉ, ભારતીય કેપ્ટન દ્વારા તેના ODI કેપ્ટનશિપ ડેબ્યુમાં સૌથી ઓછો વ્યક્તિગત સ્કોર 2 રન હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને પોતાની કેપ્ટનશિપની પ્રથમ ODIમાં 2-2 રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ હવે શ્રેયસે ગોલ્ડન ડક પર આઉટ થયા બાદ ભારતીય ODI ક્રિકેટમાં તેના કેપ્ટનશિપ ડેબ્યુમાં શૂન્ય પર આઉટ થવાનો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.
મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં ભારતને ત્રણ મોટા ઝટકા આપ્યા
ન્યુઝીલેન્ડે માઉન્ટ માઉગાંનુઈમાં બે ઓવલ ખાતે રમાયેલી ચોથી ODIમાં પ્રથમ બેટિંગ કરતા ભારત માટે 334 રનનો મોટો ટાર્ગેટ મૂક્યો. જવાબમાં, ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટો લઈને ભારતીય બેટિંગ ઓર્ડરને તોડી નાખ્યો. રોહિત શર્મા ઓવરના પહેલા બોલ પર કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. ત્યારબાદ વિરાટ કોહલી પાંચમા બોલ પર શૂન્ય પર આઉટ થયો.
એટલું જ નહીં, હેનરીએ પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર કેપ્ટન શ્રેયસ અય્યરને પણ આઉટ કર્યો. આમ, ભારતે પ્રથમ ઓવરમાં એક પણ રન બનાવ્યા વિના ત્રણ મુખ્ય બેટ્સમેન ગુમાવ્યા. ભારતીય ટીમ શરૂઆતના આંચકાઓમાંથી બહાર ન નીકળી શકી અને 89 રનમાં જ ઢળી પડી. હેનરીએ મેચમાં કુલ છ વિકેટો લીધી, જેના કારણે ન્યુઝીલેન્ડને ભારતને 244 રનથી હરાવવામાં મદદ મળી.






