IND vs NZ / 244 રનથી શરમજનક હાર મળ્યા બાદ છલકાયું કેપ્ટન શ્રેયસ અય્યરનું દર્દ, કહ્યું- 'એવું લાગતું હતું કે અમે...'

IND vs NZ / 244 રનથી શરમજનક હાર મળ્યા બાદ છલકાયું કેપ્ટન શ્રેયસ અય્યરનું દર્દ, કહ્યું- 'એવું લાગતું હતું કે અમે...'
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ સામે ચોથી ODIમાં 244 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો. માઉન્ટ માઉગાંનુઈમાં 334 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે ટીમ ઈન્ડિયા માત્ર 89 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. મેટ હેનરીની ઘાતક બોલિંગ સામે ટીમ ઈન્ડિયા સંપૂર્ણપણે લાચાર થઈ ગઈ હતી, કોઈ પણ બેટ્સમેન 30 રન પણ પાર નહતો કરી શક્યો. આ ભારતનો ODI ઈતિહાસમાં બીજો સૌથી મોટો પરાજય છે. આ અપમાનજનક હાર બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યર ખૂબ જ નિરાશ દેખાયો. તેણે સ્વીકાર્યું કે આ હાર ભૂલવી સરળ નહીં રહે.

ચોથી ODIમાં 244 રનની હાર બાદ કેપ્ટને શું કહ્યું?

ચોથી ODIમાં ન્યુઝીલેન્ડ સામે 244 રનની શરમજનક હાર બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે સ્વીકાર્યું કે ટીમને પ્રથમ ઈનિંગ પછી જીતનો વિશ્વાસ હતો. મેચ પછી હાર વિશે બોલતા શ્રેયસ અય્યરે કહ્યું, "આ હાર સ્વીકારવી મુશ્કેલ છે. પિચના મામલે પહેલી અને બીજી ઈનિંગમાં ઘણો તફાવત હતો. જોકે, મેટ હેનરી આ માટે સંપૂર્ણ શ્રેયને પાત્ર છે. તેણે પહેલા બોલથી જ યોગ્ય લાઈન અને લેન્થ પર બોલિંગ કરી. તેનું પ્રદર્શન ઉત્કૃષ્ટ હતું."

જાહેરાત

શ્રેયસે વધુમાં જણાવ્યું કે ભારતીય બોલર્સે પહેલી ઈનિંગમાં લગભગ દરેક રણનીતિનો ઉપયોગ કર્યો, જેમાં શોર્ટ બોલનો ઉપયોગ અને યોગ્ય લેન્થનો સમાવેશ થાય છે. તેણે કહ્યું, "અમે પહેલી ઈનિંગમાં લગભગ બધું જ અજમાવ્યું. ન્યુઝીલેન્ડના બેટ્સમેનો જે રીતે ઉછળતી બોલિંગ રમી રહ્યા હતા તેનાથી અમને વિશ્વાસ થયો કે વિકેટ બેટિંગ માટે વધુ સારી છે. બાદમાં તેઓએ 333 રન બનાવ્યા. સ્વાભાવિક રીતે, અમે થોડા કેચ છોડ્યા, પરંતુ રમતમાં આવું થતું રહે છે."

'એવું લાગતું હતું કે અમે સરળતાથી જીતીશું, પરંતુ...'

શ્રેયસ અય્યરે વધુમાં જણાવ્યું કે ડ્રેસિંગ રૂમમાં ટીમને લાગ્યું કે 334 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી શકાય છે. જોકે, બોલના સ્વિંગ અને સીમથી બેટ્સમેનોને ઘણી મુશ્કેલી પડી. તેણે કહ્યું, “જ્યારે અમે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, ત્યારે અમને લાગ્યું કે અમે આ ટાર્ગેટ સરળતાથી ચેઝ કરીશું. પરંતુ બોલ જે રીતે અંદર અને બહાર સીમ થઈ રહ્યો હતો તે જોઈને બેટિંગ કેવી રીતે કરવી તે નક્કી કરવું મુશ્કેલ હતું. ન્યુઝીલેન્ડના બોલર્સે શાનદાર બોલિંગ કરી અને વિકેટો લીધી.”

અંતિમ ODI માટે કેપ્ટનનો શું પ્લાન છે?

અંતિમ મેચ અંગે શ્રેયસ અય્યરે કહ્યું કે ટીમે આ હારને પાછળ રાખીને પોતાની ભૂલોનું વિશ્લેષણ કરવાની જરૂર છે. તેણે કહ્યું, “આ મેચ ભૂલી જવી જરૂરી છે. બોલિંગ અને બેટિંગમાં ક્યાં ભૂલો થઈ તે જોવાની જરૂર છે. જોકે, અમારે એ પણ યાદ રાખવું જોઈએ કે અમે આ સિરીઝમાં બે મેચ જીતી છે. આનાથી અમને ઘણી પ્રેરણા મળશે અને અમે આગામી મેચમાં નવી માનસિકતા સાથે પ્રવેશ કરીશું.” સિરીઝની અંતિમ ODI 15 નવેમ્બરે માઉન્ટ માઉગાંનુઈમાં રમાશે. ભારત આ મેચ જીતીને સિરીઝ કબજે કરવાનો પ્રયાસ કરશે. દરમિયાન, ન્યુઝીલેન્ડ પાસે જીત સાથે સિરીઝ બરાબર કરવાની તક હશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત