IPL ઓક્શનમાં સેહવાગના પુત્રની એન્ટ્રી, દ્રવિડના પુત્રએ ન કરાવ્યું રજિસ્ટ્રેશન; બેઝ પ્રાઈસ 30 લાખ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝનના ઓક્શન રજિસ્ટરમાં ભારતની અંડર-19 એશિયા કપ વિજેતા ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થયો છે. ઓમાનમાં રમાયેલી રોમાંચક ફાઈનલમાં પાકિસ્તાનને છેલ્લા બોલે એક વિકેટે હરાવીને ભારતને ચેમ્પિયન બનાવનાર ટીમના ખેલાડીઓ હવે આઈપીએલમાં પોતાનું નસીબ અજમાવશે. આ યાદીમાં ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગનું નામ સૌથી વધુ ચર્ચામાં છે, જેણે ફાઈનલમાં અડધી સદી ફટકારી હતી અને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' બન્યો હતો.
દ્રવિડના પુત્રએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું, બેઝ પ્રાઈસ 30 લાખ
ફાઈનલ મેચના હીરો રહેલા મોહિત ઉલવા અને કાવ્ય પટેલે પણ ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ યુવા ખેલાડીઓએ પોતાની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા રાખી છે. જોકે, અંડર-19 ટીમના કેપ્ટન લક્ષ્ય રાયચંદાની, રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડ અને ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરનાર મનલ ચૌહાણે આ ઓક્શન માટે પોતાનું નામ નોંધાવ્યું નથી.
વોર્નર અને સોની બેકર પણ ઓક્શનમાં, મોહમ્મદ આમિર દૂર રહ્યો
વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા) અને ઓસ્ટ્રેલિયા તરફથી રમતા ભારતીય મૂળના ખેલાડી નિખિલ ચૌધરીનો સમાવેશ થાય છે. ટી-20 ફોર્મેટના સૌથી અસરકારક ફાસ્ટ બોલર ગણાતા સોની બેકર પણ ઓક્શનમાં જોવા મળશે. બીજી તરફ, પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર બ્રિટિશ નાગરિક હોવાના નાતે ઓક્શનમાં ભાગ લઈ શકતો હતો, પરંતુ તેણે પોતાની વાત પર અડગ રહીને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) મારફતે પોતાનું નામ મોકલ્યું નથી.
આંશિક રીતે ઉપલબ્ધ રહેનારા ખેલાડીઓની યાદી જાહેર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ તમામ ફ્રેન્ચાઈઝીઓને આઈપીએલની 20મી સિઝનમાં આંશિક રીતે ઉપલબ્ધ રહેનારા ખેલાડીઓની યાદી સોંપી છે:
• સ્કોટ બોલેન્ડ બહાર: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડે (બેઝ પ્રાઈસ 1 કરોડ) અન્ય ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની જેમ ઓક્શનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને તે સમગ્ર સિઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં.
• ઝાય રિચર્ડસન અને લોયડ પોપ: ઝાય રિચર્ડસન (બેઝ પ્રાઈસ 2 કરોડ) અને લોયડ પોપ (બેઝ પ્રાઈસ 30 લાખ) સિઝનની માત્ર 50 ટકા મેચો માટે જ ઉપલબ્ધ રહેશે.
• સેમ બિલિંગ્સ અને બેવોન જેકોબ્સ: ઈંગ્લેન્ડનો સેમ બિલિંગ્સ (બેઝ પ્રાઈસ 2 કરોડ) 80 ટકા મેચો રમશે, જ્યારે ન્યુઝીલેન્ડનો બેવોન જોન જેકોબ્સ (બેઝ પ્રાઈસ 2 કરોડ) સિઝનની માત્ર 10 ટકા મેચો માટે જ ઉપલબ્ધ રહેશે.








