હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ આવશે IPL જેવો નિયમ? બેટ્સમેનોએ ગેજ ટેસ્ટમાંથી પસાર થવું પડશે

T20 ક્રિકેટમાં દર વર્ષે છગ્ગા ફટકારવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ પાછળ બેટિંગને અનુકૂળ પિચો એક કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, મેદાનની નાની બાઉન્ડ્રી પણ છગ્ગાની સંખ્યા વધારવાનું એક કારણ બની શકે છે. જોકે, પિચના માપદંડોને એકસરખા રાખવા સરળ નથી. સાથે જ બાઉન્ડ્રીની આસપાસ વ્યાવસાયિક જાહેરાતો માટે જગ્યા ફાળવવી પણ હવે સામાન્ય બાબત બની ગઈ છે.
આ તમામ બાબતો વચ્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બેટ્સમેનોને વધુ પડતો ફાયદો ન મળે તે માટે એક નવો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટના કદની રેન્ડમ તપાસ સામાન્ય બનશે. મેચ અધિકારીઓ ટૂંક સમયમાં ખેલાડીઓને મેદાનમાં બેટિંગ કરવા ઉતરતા પહેલા તેમના બેટને માપવાના ગેજમાંથી પસાર કરવાનું કહી શકે છે. ગયા વર્ષે IPLમાં આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી.
ICCની ક્રિકેટ કમિટીએ આ અંગે ભલામણ કરી હતી. આ કમિટીના અધ્યક્ષ સૌરવ ગાંગુલી છે. તાજેતરમાં બાલીમાં યોજાયેલી ICCની બેઠકો દરમિયાન ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટીએ આ ભલામણને મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે. અમ્પાયર્સને આ નિયમના અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યા બાદ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાગુ કરવામાં આવશે.
હાલમાં MCCના ક્રિકેટના કાયદાના નિયમ 5 મુજબ બેટની ધારની જાડાઈ 1.56 ઇંચ, ઊંડાઈ 2.64 ઇંચ અને પહોળાઈ 4.25 ઇંચથી વધુ હોવી જોઈએ નહીં. જોકે, છગ્ગાની વધતી સંખ્યાને કારણે બેટના કદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
ક્રિકેટની સૌથી લોકપ્રિય લીગ IPLમાં આ વર્ષે એક મેચમાં સરેરાશ 19.27 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. તેની સરખામણીમાં IPLની પ્રથમ સિઝન એટલે કે 2008માં એક મેચમાં સરેરાશ માત્ર 8.88 છગ્ગા ફટકારવામાં આવતા હતા. આ ફેરફાર પાછળ બેટ્સમેનોની સુધરેલી પાવર હિટિંગ ટેકનિક જવાબદાર હોઈ શકે છે. જોકે, ક્રિકેટના સાધનોનો નિયમ વિરુદ્ધ ઉપયોગ થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ પહોળા અને જાડા બેટથી બેટ્સમેનોને મોટા શોટ રમવામાં સરળતા રહે છે. તેનાથી બોલર અને બેટ્સમેન વચ્ચેનું સંતુલન બેટ્સમેનો તરફ વધુ ઝૂકી શકે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે બેટની ગુણવત્તામાં થયેલો વિકાસ બોલની ગુણવત્તા કરતાં ઘણો આગળ નીકળી ગયો છે. આ જ કારણ છે કે બોલની જેમ બેટના વજન, કદ અને અન્ય માપદંડોની પણ કડક તપાસ કરવાની માંગ થઈ રહી છે.
IPLમાં બેટ માટે ગેજ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો તે પહેલા કેટલાક મેચ અધિકારીઓને શંકા હતી કે ખેલાડીઓ વધુ જાડા અને મોટા બેટનો ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ મેચના એક દિવસ પહેલા બેટની તપાસ કરવામાં આવતી હતી, પરંતુ ખેલાડીઓની કિટ બેગમાં રહેલા તમામ બેટની તપાસ નહતી થતી. તેના કારણે ખેલાડીઓ તપાસ કર્યા વગરના બેટ સાથે મેદાનમાં ઉતરી શકતા હતા. આ ખામી દૂર કરવા માટે હવે તપાસ વધુ કડક કરવામાં આવી છે. આ નિયમના અમલીકરણ બાદ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
IPLમાં સુનીલ નારાયણ, રવિન્દ્ર જાડેજા અને રિયાન પરાગ જેવા ખેલાડીઓના બેટ પણ ગેજ ટેસ્ટમાં નિષ્ફળ ગયા હતા. ત્યારબાદ તેમને પોતાના બેટ બદલવાની ફરજ પડી હતી. અમ્પાયર્સ પાસે રહેલા લંબચોરસ આકારના ગેજમાંથી જે બેટ પસાર થઈ નથી શકતા, તેનો ઉપયોગ હવે નહીં કરી શકાય. બેટ બનાવતી વખતે થયેલી ખામીને કારણે આવું થયું હોય તો પણ તે બેટને નિયમ વિરુદ્ધ ગણવામાં આવશે.
અલગ-અલગ ક્રિકેટ બોલનું પણ પરીક્ષણ કરવામાં આવશે
ક્રિકેટમાં વપરાતા બોલની ગુણવત્તા સુધારવા માટે પણ ICC કામ કરી રહી છે. આ હેતુથી ICCની ક્રિકેટ કમિટીએ અલગ પ્રકારના ક્રિકેટ બોલનું પરીક્ષણ કરવાની ભલામણ કરી છે. આ પ્રક્રિયાની શરૂઆત 2029 અને 2030માં યોજાનારા અંડર-19 વર્લ્ડ કપમાં વયજૂથની ક્રિકેટથી કરવામાં આવશે.
આ ઉપરાંત, નવા ક્રિકેટ બોલની ખરીદી માટે સ્પર્ધાત્મક ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાનો અને બોલને મંજૂરી આપવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં ICCની તમામ મોટી મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટમાં સફેદ કુકાબુરા બોલનો ઉપયોગ કરવામાં આવે છે. એકરૂપતા જાળવવા અને ખેલાડીઓને મોટી ટુર્નામેન્ટ માટે તૈયાર કરવા માટે વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ પણ દ્વિપક્ષીય સિરીઝમાં આ જ બોલનો ઉપયોગ કરે છે.
જોકે, ICC હવે ક્રિકેટ બોલના ક્ષેત્રમાં સ્પર્ધાત્મક બજારને પ્રોત્સાહન આપવા માંગે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો હેતુ કુકાબુરા બોલના વિકલ્પો શોધવાનો નથી, પરંતુ બોલની ગુણવત્તા સુધારવા માટે સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.









