રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં, PM મોદી-રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોને આમંત્રણ

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના યુવા સાંસદ પ્રિયા સરોજ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આગામી 4 ડિસેમ્બરે નવાબોના શહેર લખનૌ સ્થિત હોટેલ રમાડામાં બંને સાત ફેરા લેશે. આ ભવ્ય લગ્ન સમારોહમાં રાજકારણ, ક્રિકેટ અને બોલિવૂડ જગતની અનેક દિગ્ગજ હસ્તીઓ સહિત દેશભરમાંથી લગભગ બે હજાર મહેમાનો હાજરી આપશે. લગ્નની વિધિઓની શરૂઆત 3 ડિસેમ્બરથી જ થઈ જશે, જેના માટે રિંકુ સિંહ અને પ્રિયા સરોજના પરિવારજનો એક દિવસ અગાઉ જ સ્થળ પર પહોંચી જશે. હોટેલ રમાડામાં જ મહેંદી, પૂજા અને લગ્નને લગતી અન્ય તમામ પરંપરાગત વિધિઓ કરવામાં આવશે.
આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં હાજરી આપવા માટે VVIP મહેમાનોની લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે. ક્રિકેટર રિંકુ સિંહ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જ્યારે પ્રિયા સરોજે પ્રિયંકા ગાંધી મારફતે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુધી પોતાનું આમંત્રણ પહોંચાડ્યું છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ આ સમારોહમાં સપરિવાર હાજરી આપી શકે છે. પ્રિયા સરોજના આમંત્રણ પર અખિલેશ યાદવ સાથે તેમના પત્ની સાંસદ ડિમ્પલ યાદવ અને બાળકો પણ લખનૌ પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે.
કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને ક્રિકેટરોને આમંત્રણ
આ ઉપરાંત, પ્રિયા સરોજ અને તેમના પિતા તૂફાની સરોજ તરફથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, કિંજરાપુ રામ મોહન નાયડુ અને કમલેશ પાસવાન સહિત લગભગ એક ડઝન કેન્દ્રીય મંત્રીઓ તેમજ 90ની આસપાસ સાંસદો અને ધારાસભ્યોને આમંત્રણ અપાયું છે. કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા પણ સમારોહમાં જોડાઈ શકે છે.
રાજકારણ ઉપરાંત ક્રિકેટ અને મનોરંજન જગતના સિતારાઓનો પણ જમાવડો થશે. 3 ડિસેમ્બરથી જ રિંકુના સાથી ક્રિકેટરોનું આગમન શરૂ થઈ જશે. મહેમાનોની યાદીમાં સુરેશ રૈના, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, તિલક વર્મા, પ્રવીણ કુમાર, આરપી સિંહ અને પિયુષ ચાવલા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાંથી ગાયક સમર સિંહ સહિત અનેક કલાકારો પણ આ ઉજવણીનો હિસ્સો બનશે.
ખાસ પરિધાન, ઘરેણાં અને સંપૂર્ણ શાકાહારી મેનૂ
દુલ્હન બનવા જઈ રહેલાં પ્રિયા સરોજના લગ્નના પરિધાન અને ઘરેણાં પર પણ ખાસ ધ્યાન અપાયું છે. તેમણે નવી દિલ્હી અને લખનૌથી પોતાના પોશાકનું ખાસ કલેક્શન તૈયાર કરાવ્યું છે, જેમાં વારાણસીની પ્રખ્યાત બનારસી સાડીઓનો પણ સમાવેશ થાય છે.
રસપ્રદ વાત એ છે કે જયમાલા વખતે પ્રિયા પોતાના વિસ્તાર પિંડરાના સ્થાનિક બજારના ઘરેણાં પહેરશે, જેને તેમના લહેંગા સાથે આર્ટિફિશિયલ જ્વેલરીના કોમ્બિનેશનમાં સ્ટાઈલ કરવામાં આવશે. આ સિવાય દિલ્હીના પીસી જ્વેલર્સ અને બનારસના મોહમ્મદ ઝુબેર પાસેથી પણ ઘરેણાંની ખરીદી કરવામાં આવી છે. મહેમાનોના આગતા-સ્વાગત માટે શાહી વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્નનું સમગ્ર મેનૂ સંપૂર્ણપણે શાકાહારી રાખવામાં આવ્યું છે, જેમાં વેલકમ સૂપથી લઈને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ અને ખાસ ડેઝર્ટ સામેલ રહેશે.







