યુવરાજ સિંહની આ યાદીમાં સામેલ થવા માંગે છે સંજુ સેમસન, અશ્વિનના શોમાં કર્યો ખુલાસો

T20 ક્રિકેટમાં વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત સંજુ સેમસન ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યો છે. કેરળના આ 30 વર્ષીય રાઈટી બેટ્સમેને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના શો 'કુટ્ટી સ્ટોરીઝ' માં ખુલાસો કર્યો હતો કે તેનું સપનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં 6 છગ્ગા મારવાનું છે.
એક ઓવરમાં સતત 5 છગ્ગા માર્યા
સેમસને 2024માં બાંગ્લાદેશ સામે 40 બોલમાં સદી ફટકારતા T20Iની એક ઓવરમાં સતત 5 છગ્ગા માર્યા હતા. તેણે કહ્યું હતું કે જો તેને નિવૃત્તિ પહેલાં એક ક્રિકેટનું એક આપનું પૂરું કરવું હોય, તો તે ઓવરના બધા 6 બોલને બાઉન્ડ્રીની પાર મોકલવાનું એટલે કે એક ઓવરમાં 6 છગ્ગા મારવાનું હશે.
સેમસનની કારકિર્દી
જુલાઈ 2015માં ઝિમ્બાબ્વે સામે T20I આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યા પછી, સેમસને અત્યાર સુધીમાં 42 મેચ રમી છે, જેમાં 3 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. 2024માં, તે એક કેલેન્ડર વર્ષમાં 3 T20I સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો. વનડે ક્રિકેટમાં, તેણે 16 મેચોમાં 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે.
યુવરાજ અને અન્ય દિગ્ગજોએ આ સિદ્ધિ મેળવી છે
T20Iમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકારવાનો ઈતિહાસ સૌપ્રથમ યુવરાજ સિંહે 2007ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ સામે રચ્યો હતો. આ પછી, વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડ (2021, શ્રીલંકા સામે), નેપાળના દીપેન્દ્ર સિંહ એરી (2024, કતાર સામે) અને બલ્ગેરિયાના મનન બશીર (2025, જિબ્રાલ્ટર સામે) એ પણ આ સિદ્ધિ મેળવી છે. ODI ક્રિકેટમાં, સાઉથ આફ્રિકાના હર્શેલ ગિબ્સ અને અમેરિકાના જસકરણ મલ્હોત્રાએ પણ આ સિદ્ધિ મેળવી છે.
- યુવરાજ સિંહ - 2007, ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપની મેચમાં
- કીરોન પોલાર્ડ - 2021, શ્રીલંકા સામે T20I મેચમાં
- દીપેન્દ્ર સિંહ એરી - 2024, કતાર સામે T20I મેચમાં
- મનન બશીર - 2025, જિબ્રાલ્ટર સામે T20I મેચમાં
- હર્શેલ ગિબ્સ - 2007, ODI વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામે
- જસકરણ મલ્હોત્રા - 2021, ODI મેચમાં પાપુઆ ન્યુ ગિની સામે
IPLમાં સંજુના ભવિષ્ય વિશે અટકળો
એવા અહેવાલો છે કે સંજુ સેમસન IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ છોડી શકે છે. સંજુએ અત્યાર સુધી આ ફ્રેન્ચાઈઝી માટે 149 મેચ રમી છે અને આ સમય દરમિયાન 4000થી વધુ રન બનાવ્યા છે. તે રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ મેચ રમનાર અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
જો સંજુ સેમસનનું આ સપનું વાસ્તવિકતામાં ફેરવાય છે, તો તે ક્રિકેટના ઈતિહાસમાં એક ખાસ યાદીમાં પોતાનું નામ નોંધાવશે, જેમાં અત્યાર સુધી ફક્ત પસંદગીના દિગ્ગજો જ સ્થાન મેળવી શક્યા છે.

