છોકરાએ ખરીદ્યું નવું સિમ, અચાનક આવવા લાગ્યા વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સના ફોન; જાણો શું છે આખો મામલો

એક ભૂલે છત્તીસગઢના બે યુવાનોનું નસીબ બદલી નાખ્યું. આ ભૂલે આ બંનેને તેમના મનપસંદ ક્રિકેટરો સાથે વાત કરવાનો મોકો આપ્યો, જે તેમણે કદાચ સપનામાં પણ વિચાર્યું ન હોત. રસપ્રદ વાત એ છે કે વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, રજત પાટીદાર અને યશ દયાલ જેવા ક્રિકેટરોએ આ યુવાનોને પોતે ફોન કરીને તેમની સાથે વાત કરી હતી. જોકે, આ બધું સિમ અલોટ કરનારી કંપનીની ભૂલ અને તેના કારણે થયેલી ગેરસમજને કારણે થયું. પરંતુ આ ઘટના યુવાનો માટે લોટરી જેવી હતી. શું છે આખો મામલો, આવું કેમ બન્યું, ચાલો તમને જણાવીએ.
રિપોર્ટ મુજબ, છત્તીસગઢના મડાગાંવના રહેવાસી મનીષે 28 જૂને સ્થાનિક મોબાઈલ શોપમાંથી એક નવું સિમ ખરીદ્યું. આ પછી નંબર એક્ટિવેટ થયો. ત્યારબાદ મનીષે તે નંબર પરથી તેના મિત્ર ખેમરાજની મદદથી ફોનમાં વોટ્સએપ ઈન્સ્ટોલ કર્યું. જ્યારે વોટ્સએપ ઈન્સ્ટોલ થયું ત્યારે તેમાં RCBના કેપ્ટન રજત પાટીદારનું DP હતું. તેમને લાગ્યું કે વોટ્સએપમાં કોઈ સમસ્યા હશે અને તેથી જ તે પાટીદારનો ફોટો બતાવી રહ્યું છે. પરંતુ તેઓ નહતા જાણતા કે મનીષને ફાળવવામાં આવેલ નંબર ખરેખર રજત પાટીદારનો છે.
આના બે દિવસ પછી, તેને અજાણ્યા નંબરો પરથી ફોન આવવા લાગ્યા. ફોન કરનારાઓએ પોતાને વિરાટ કોહલી, યશ દયાલ અને સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સ તરીકે ઓળખાવ્યા. આ લગભગ બે અઠવાડિયા સુધી ચાલુ રહ્યું. શરૂઆતમાં, તેને લાગ્યું કે કોઈ તેની મજાક કરી રહ્યું છે. પરંતુ દિવસેને દિવસે આ કોલની સંખ્યા વધવા લાગી. નિયમિત કોલ આવવા લાગ્યા.
ખેલાડીઓની ઓળખથી અજાણ, મનીષ અને તેનો મિત્ર પણ વાત કરવા લાગ્યા. તેઓ ક્રિકેટરો સાથે રમુજી રીતે વાત કરતા હતા. તેઓ કેટલાક ખેલાડીઓ સાથે અડધી મિનિટ અને કેટલાક સાથે એક મિનિટ વાત કરતા હતા. ફોન કરનારા ક્રિકેટર્સ મનીષ અને તેના મિત્રને રજત પાટીદાર કહીને બોલાવતા હતા. વાત અહીં જ પૂરી ન થઈ. રમુજી વાતચીતનો આ સિલસિલો 15 જુલાઈ સુધી ચાલુ રહ્યો.
પછી એક દિવસ એક નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું, 'હું રજત પાટીદાર છું.' મનીષને હજુ પણ આ મજાક લાગતી હતી. તેણે જવાબ આપ્યો, 'હું ધોની છું.' પરંતુ ફોન કરનાર ખરેખર RCB કેપ્ટન રજત પાટીદાર હતો. તેણે બંને યુવાનોને સિમ પરત કરવાની અપીલ કરી. પરંતુ બંને સંમત ન થયા કારણ કે તેઓ હજુ પણ તેને મજાક માનતા હતા.
આ અંગે પાટીદારે તેને કહ્યું કે તેણે પોલીસમાં ફરિયાદ કરી છે. થોડા સમય પછી, પોલીસ યુવાનો સુધી પહોંચી. પછી યુવાનોને ખબર પડી કે રજત પાટીદારનો નંબર તેમને ભૂલથી ફાળવવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, તેમની સાથે વાત કરી રહેલા બધા ક્રિકેટર્સ સાચા હતા. આ જાણીને, તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો. પરંતુ બાદમાં તેઓએ સિમ પરત કરી દીધું, જે પાછળથી રજત પાટીદારને મોકલવામાં આવ્યું.

