VIDEO: મુંબઈ સામે સદી ફટકારીને સંજુ સેમસને સર્જી રેકોર્ડ્સની હારમાળા, રોહિત અને રાહુલની કરી બરાબરી
સંજુ સેમસનએ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે સદી ફટકારી છે. આ સાથે તેણે અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે. તેણે આ સિઝનની બીજી સદી ફટકારી છે. સેમસન ઈનિંગની શરૂઆત કરી અને અંત સુધી પિચ પર ટકી રહ્યો. તેણે માત્ર 54 બોલમાં પોતાની સદી પૂરી કરીને અનેક યાદીમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.
સેમસન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેનોના ક્લબમાં જોડાઈ ગયો છે. પહેલા બેટિંગ કરતા, ચેન્નાઈએ 207 રન બનાવ્યા હતા. સેમસન એકલા હાથે ટીમને આગળ ધપાવી, ઈનિંગના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી. જમણા હાથના બેટ્સમેને અગાઉ દિલ્હી કેપિટલ્સ સામે સદી ફટકારી હતી. હવે તેણે મુંબઈ સામે સિઝનની બીજી સદી ફટકારી છે.
સંજુ સેમસન ચેન્નાઈનો પહેલો બેટ્સમેન બન્યો
સંજુ IPL ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારનાર ચેન્નાઈનો પહેલો બેટ્સમેન બન્યો છે. આ પહેલા કોઈ CSK બેટ્સમેન આ સિદ્ધિ નહતો મેળવી શક્યો.
ચેન્નાઈ માટે IPLમાં સૌથી વધુ સદી
- સંજુ સેમસન - 2
- શેન વોટસન - 2
- ઋતુરાજ ગાયકવાડ - 2
- મુરલી વિજય - 2
સંજુએ રોહિત શર્માની બરાબરી કરી
આ સદી સાથે સંજુએ રોહિતની બરાબરી કરી છે. સંજુએ હવે T20 ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદી ફટકારવાના મામલે રોહિતની બરાબરી કરી છે. રોહિતે આ સિદ્ધિ 8 વખત હાંસલ કરી છે. હવે સેમસનની પણ T20 કારકિર્દીમાં આ 8મી સદી છે. આ સંદર્ભમાં વિરાટ કોહલી અને અભિષેક શર્મા સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેન
- વિરાટ કોહલી - 9
- અભિષેક શર્મા - 9
- રોહિત શર્મા - 8
- સંજુ સેમસન - 8
કેએલ રાહુલની બરાબરી
આ સંજુની IPL કારકિર્દીની પાંચમી સદી છે. આ સાથે તેણે IPLમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં કેએલ રાહુલની બરાબરી કરી લીધી છે. રાહુલે પણ અત્યાર સુધી IPLમાં પાંચ સદી ફટકારી છે. વિરાટ કોહલી આ યાદીમાં ટોચ પર છે.
IPLમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેન
- વિરાટ કોહલી - 8
- જોસ બટલર - 7
- ક્રિસ ગેલ - 6
- કેએલ રાહુલ - 5
- સંજુ સેમસન - 5

