કેએલ રાહુલની વિચારસરણી ખૂબ ખરાબ હતી એટલે થયો ટીમમાંથી બહાર? સંજીવ ગોએન્કાનું ચોંકાવનારું નિવેદન
તમામ ટીમોએ IPL 2025 માટે તેમના રિટેન કરાયેલા ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. લ

તમામ ટીમોએ IPL 2025 માટે તેમના રિટેન કરાયેલા ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. લખનૌ સુપર જાયન્ટ્સે મેગા ઓક્શન પહેલા કુલ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. આમાં કુલ 3 કેપ્ડ અને 2 અનકેપ્ડ ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા હતા. આમાં ટીમના કેપ્ટન કેએલ રાહુલનું નામ સામેલ નથી. મતલબ કે, ફ્રેન્ચાઈઝીના માલિક સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલ સાથેના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય કરી લીધો છે. સંજીવ ગોએન્કાએ રાહુલને ટીમમાંથી બહાર કર્યા બાદ તરત જ તેના વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જોકે, તેણે પોતાના નિવેદનમાં રાહુલનું નામ લીધું ન હતું.
આ પણ વાંચોઃ- IPL 2025: મેગા ઓક્શન પહેલા જ લીક થયું ગુજરાત ટાઇટન્સનું રિટેન્શન લિસ્ટ? યાદીમાં પાંચ ખેલાડીઓના નામ
કેએલ રાહુલ પર આરોપો
કેએલ રાહુલે ત્રણ સિઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન લખનૌ બે વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થયું. તે છેલ્લી સિઝનમાં 7મા નંબરે રહી હતી. ટીમના માલિક સંજીવ ગોએન્કાએ આ વખતે તેને છોડવાનો નિર્ણય કર્યો. 31 ઓક્ટોબરે રિટેન્શનની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ બાદ તેણે કેએલ રાહુલનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. ગોએન્કાએ કહ્યું કે, તેઓ એવા ખેલાડીઓને પોતાની ટીમમાં જાળવી રાખવા માગે છે, જેઓ જીતવાની માનસિકતા ધરાવતા હોય અને જેઓ પોતાના હિત માટે નહીં પણ ટીમ માટે રમે છે. તેમના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. આને કેએલ રાહુલનું અપમાન માનવામાં આવી રહ્યું છે.
બંને વચ્ચે થયો હતો અણબનાવ
આઈપીએલની છેલ્લી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ હાર્યા બાદ ટીમના માલિક સંજીવ ગોયન્કા અને કેએલ રાહુલ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. ગોએન્કાએ મેદાનમાં જ રાહુલને ઠપકો આપ્યો હતો. જોકે, બાદમાં બંને સાથે જોવા મળ્યા હતા, પરંતુ આ વખતે ટીમના માલિક અને મેનેજમેન્ટ કેએલ રાહુલને જાળવી રાખવાના પક્ષમાં નહોતા. બીજી તરફ એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે રાહુલે પોતે જ રિટેન થવાનો ઈન્કાર કરી દીધો હતો.
કોણ થયું રિટેન અને કોને કર્યો રિલીઝ?
લખનૌ સુપર જાયન્ટ્સે નિકોલસ પુરનને રૂ. 21 કરોડમાં, રવિ બિશ્નોઇ અને મયંક યાદવને રૂ. 11 કરોડમાં રિટેન કરવામાં આવ્યા છે. આ સિવાય બે અનકેપ્ડ ખેલાડી મોહસીન ખાન અને આયુષ બદોનીને રિટેન કરવામાં આવ્યા છે, જેમને 4-4 કરોડ રૂપિયા મળ્યા છે. કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા, દીપક હુડા, નવીન-ઉલ-હક જેવા ઘણા મોટા ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે.








