Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sai Sudarshan's embarrassing record in IPL

VIDEO: IPLમાં સાઈ સુદર્શનનો શરમજનક રેકોર્ડ, સતત બીજી વખત હિટ વિકેટ આઉટ થનાર પ્રથમ ખેલાડી બન્યો

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026ના ક્વોલિફાયર-2 મહામુકાબલામાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ મેચમાં ગુજરાતની જીતના હીરો રહેલા ઓપનર સાઈ સુદર્શને શાનદાર પ્રદર્શન કરતા 32 બોલમાં 1 સિક્સ અને 8 ફોરની મદદથી 58 રનની મહત્ત્વની ઈનિંગ રમી હતી. જોકે, આ મેચમાં અડધી સદી ફટકારવા છતાં સુદર્શન એક અત્યંત શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી બેઠો છે. તે IPLના ઈતિહાસમાં સતત બીજી વખત અને કુલ 3 વખત 'હિટ વિકેટ' આઉટ થનારો પ્રથમ ખેલાડી બની ગયો છે.

App Store

ચોગ્ગો પણ લાગ્યો અને આઉટ પણ થયો

ગુજરાત ટાઈટન્સની ઈનિંગ દરમિયાન 13મી ઓવરમાં સાઈ સુદર્શને રાજસ્થાનના બોલર બ્રિજેશ શર્માની બોલ પર ચોગ્ગો ફટકારવા માટે જોરદાર શોટ લગાવ્યો હતો. બેટ સાથે અથડાઈને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન માટે પહોંચી ગઈ હતી, પરંતુ આ શાનદાર શોટ બાદ પણ સુદર્શને પવેલિયન પરત ફરવું પડ્યું હતું. વાસ્તવમાં, સુદર્શને એટલી તાકાતથી શોટ માર્યો હતો કે બેટ તેના હાથમાંથી છટકી ગયું અને સીધું જ સ્ટમ્પ પર જઈને પડ્યું હતું. આ અજીબોગરીબ ઘટનાને કારણે અમ્પાયરે તેને તુરંત હિટ વિકેટ આઉટ જાહેર કર્યો હતો.

ક્વોલિફાયર-1માં પણ આ જ રીતે ગુમાવી હતી વિકેટ

આશ્ચર્યની વાત એ છે કે, સાઈ સુદર્શન આ જ IPL 2026માં સતત બીજી નોકઆઉટ મેચમાં આ અનોખા અંદાજમાં આઉટ થયો છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમાયેલા ક્વોલિફાયર-1 મુકાબલામાં પણ તે ત્રીજી ઓવરમાં જેકબ ડફીની ગેંદ પર કટ શોટ રમવા જતાં હિટ વિકેટ થયો હતો. ત્યારે પણ તેનું બેટ હાથમાંથી છૂટીને પિચ પર બાઉન્સ થઈ સ્ટમ્પ પર વાગ્યું હતું. આ સાથે જ તે IPL ઈતિહાસમાં 3 વખત હિટ વિકેટ આઉટ થનારો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલા તે સૌપ્રથમ વર્ષ 2022માં મુંબઈ ઈન્ડિયન્સ સામે આ રીતે આઉટ થયો હતો.

શરમજનક રેકોર્ડ છતાં ગુજરાતને જીત અપાવવામાં મોટું યોગદાન આપ્યું

ભલે સાઈ સુદર્શન નસીબના કારણે વિચિત્ર રીતે આઉટ થઈ ગયો, પરંતુ આઉટ થતાં પહેલા તેણે કેપ્ટન શુભમન ગિલ (104 રન) સાથે મળીને ટીમ માટે વિજયનો મજબૂત પાયો નાખી દીધો હતો. બંને ઓપનર્સે પ્રથમ 10 ઓવરમાં જ ટીમનો સ્કોર 127 રન પર પહોંચાડીને રાજસ્થાનના 214 રનના સ્કોરને વામણો સાબિત કર્યો હતો. સાઈ સુદર્શનની 58 રનની ઈનિંગના કારણે જ ગુજરાતે 18.4 ઓવરમાં 3 વિકેટે 219 રન બનાવી મેચ જીતી લીધી હતી. હવે ગુજરાત ટાઈટન્સની ટીમ 31 મે, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ફાઈનલનો મહામુકાબલો રમશે.