VIDEO: પુત્ર અર્જુનની શાનદાર બોલિંગ જોઈને ઈમોશનલ થયો સચિન તેંડુલકર, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
યુવા ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકરને આખરે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળી ગઈ છે. શનિવારે એટલે કે 23 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમેલી પોતાની ડેબ્યુ મેચમાં અર્જુને શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. જોકે, આ રોમાંચક મેચ બાદ સૌથી વધુ ચર્ચા તેના પિતા અને ક્રિકેટ જગતના મહાનાયક સચિન તેંડુલકરની એ ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટની થઈ રહી છે, જેણે કરોડો ક્રિકેટ ફેન્સના દિલ જીતી લીધા છે.
કેપ્ટન પંતે કેચ છોડ્યો, પણ અર્જુને હિંમત ન હારી
લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ (PBKS) સામે રમાયેલી આ મેચમાં પાવરપ્લે પૂરો થતાં જ અર્જુન તેંડુલકરને બોલિંગ સોંપવામાં આવી હતી. તેણે શરૂઆતથી જ અદભુત આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો અને પંજાબના બેટ્સમેન પ્રભસિમરન સિંહને સતત બાઉન્સર નાખીને પરેશાન કર્યો હતો. આ દરમિયાન પ્રભસિમરનના બેટની એજ પર બોલ લાગતાં એ હવામાં ગયો હતો, પરંતુ કમનસીબે લખનૌનો કેપ્ટન અને વિકેટકીપર રિષભ પંત આ સરળ કેચ ન પકડી શક્યો.
જો પ્રથમ ઓવરમાં જ આ કેચ પકડાઈ ગયો હોત તો અર્જુનને તેની પહેલી જ ઓવરમાં વિકેટ મળી ગઈ હોત. આ પ્રારંભિક ઝટકા છતાં યુવા બોલરે હિંમત ન હારી. તેણે પોતાના બીજા સ્પેલમાં જબરદસ્ત વાપસી કરી અને એક ઘાતક યોર્કર બોલ પર પ્રભસિમરન સિંહને એલબીડબ્લ્યૂ આઉટ કરીને પવેલિયન ભેગો કર્યો હતો.
પુત્રની ધીરજ જોઈને ગદગદ થયા સચિન તેંડુલકર
અર્જુનનું આવું શાનદાર પ્રદર્શન જોઈને પિતા સચિન તેંડુલકર ભાવુક થઈ ગયા હતા અને પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નહતા. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પુત્ર માટે એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી હતી.
સચિને લખ્યું હતું કે, "શાબાશ અર્જુન! આખી સિઝન દરમિયાન તે જે રીતે તારી જાતને સંભાળી છે, તેના પર મને ગર્વ છે. તે પોતાની ક્ષમતા પર વિશ્વાસ જાળવી રાખ્યો, શાંત રહીને સખત મહેનત કરી, ધીરજ રાખી અને છેલ્લી મેચ સુધી તકની રાહ જોવા છતાં સકારાત્મક વલણ અપનાવ્યું છે. ક્રિકેટ માત્ર તારી સ્કિલ્સની જ નહીં, પરંતુ તારી ધીરજની પણ કસોટી લે છે અને તે આ બંને પરિસ્થિતિને શાનદાર રીતે સંભાળી છે. હંમેશા જમીન સાથે જોડાયેલા રહો અને આ રમતને અવિરત પ્રેમ કરતા રહો. હંમેશા પ્રેમ."
સામાન્ય રીતે સચિન તેંડુલકર અર્જુનના ક્રિકેટ કરિયર અંગે જાહેરમાં પ્રતિક્રિયા આપવાનું ટાળે છે. આ અગાઉ વર્ષ 2023માં જ્યારે અર્જુને મુંબઈ ઇન્ડિયન્સ (MI) તરફથી IPL ડેબ્યુ કર્યું ત્યારે સચિને પોસ્ટ કરી હતી. આ જ કારણે તેની આ તાજી પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
ડેથ ઓવર્સમાં લડાયક બોલિંગ: LSGનો જોરદાર બોલર
અર્જુન તેંડુલકરે મેચમાં પોતાના ક્વોટાની સંપૂર્ણ 4 ઓવર ફેંકી હતી. ખાસ કરીને ડેથ ઓવર્સમાં તેણે પ્રશંસનીય બોલિંગનું પ્રદર્શન કર્યું અને ઈનિંગની છેલ્લી ઓવરમાં માત્ર 5 રન જ આપ્યા હતા. સમગ્ર મેચમાં અર્જુને 4 ઓવરમાં 36 રન આપીને 1 મહત્ત્વની વિકેટ ઝડપી હતી.
આ મુકાબલામાં તે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી સૌથી ઈકોનોમિકલ બોલર સાબિત થયો હતો. ભલે આ રોમાંચક મેચમાં લખનૌની ટીમનો પરાજય થયો હોય, પરંતુ અર્જુને પોતાના શાંત સ્વભાવ, અડગ ધીરજ અને દમદાર યોર્કર બોલિંગથી તમામ ક્રિકેટ પ્રેમીઓના દિલ ચોક્કસપણે જીતી લીધા છે. સચીનની પોસ્ટ પર યુવારજ સિંહે પણ કમેન્ટ કરીને અર્જુનના વખાણ કર્યાં હતા.

