રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર, આ દિવસે થશે ભારત અને પાકિસ્તાનની ટક્કર

ક્રિકેટ ફેન્સ હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની રાહ જોતા હોય છે. હવે બંને કટ્ટર હરીફ ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026નું શેડ્યૂલ જાહેર કર્યું છે. કતારની રાજધાની દોહામાં રમાનારી આ ટુર્નામેન્ટ માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચેની મેચ 22 નવેમ્બરે રમાશે.
આ ટુર્નામેન્ટ 19થી 29 નવેમ્બર દરમિયાન યોજાશે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત નેપાળ અને સંયુક્ત આરબ અમીરાત પણ આ ગ્રુપમાં છે. બંને ટીમો વચ્ચેની મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પર ફેન્સની નજર હશે, કારણ કે તે ભારત અને પાકિસ્તાનના યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની એક શ્રેષ્ઠ તક પૂરી પાડશે.
આવતા મહિને યોજાનારી ટુર્નામેન્ટ
રાઈઝિંગ સ્ટાર એશિયા કપમાં ટીમો સામાન્ય રીતે તેમની A ટીમો સાથે પ્રવેશ કરે છે. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય યુવા અને ઉભરતા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડવાનો છે. મોટાભાગની મેચો વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે, જ્યારે કેટલીક મેચો દોહા યુનિવર્સિટી ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી (UDST) ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
આ ટુર્નામેન્ટ 19 નવેમ્બરે બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચેની મેચથી શરૂ થશે. શ્રીલંકા અને અફઘાનિસ્તાન પણ તે જ દિવસે એકબીજા સામે ટકરાશે. ભારત 20 નવેમ્બરે નેપાળ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા 24 નવેમ્બરે UAE સામે પોતાની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમશે. સેમીફાઈનલ 26 અને 27 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઈનલ 29 નવેમ્બરે રમાશે. ફાઈનલ મેચ વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે.
રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026નું શેડ્યૂલ
- 19 નવેમ્બર: બાંગ્લાદેશ vs હોંગકોંગ, સવારે 11:30 વાગ્યે
- 19 નવેમ્બર: શ્રીલંકા vs અફઘાનિસ્તાન, બપોરે 3:30 વાગ્યે
- 20 નવેમ્બર: પાકિસ્તાન vs UAE, સવારે 11:30 વાગ્યે
- 20 નવેમ્બર: ભારત vs નેપાળ, બપોરે 3:30 વાગ્યે
- 21 નવેમ્બર: શ્રીલંકા vs હોંગકોંગ, સવારે 11:30 વાગ્યે
- 21 નવેમ્બર: બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન, બપોરે 3:30 વાગ્યે
- 22 નવેમ્બર: UAE vs નેપાળ, સવારે 11:30 વાગ્યે
- 22 નવેમ્બર: ભારત vs પાકિસ્તાન, બપોરે 3:30 વાગ્યે
- 23 નવેમ્બર: અફઘાનિસ્તાન વિરુદ્ધ હોંગકોંગ, સવારે 11:30 વાગ્યે
- 23 નવેમ્બર: શ્રીલંકા vs બાંગ્લાદેશ, બપોરે 3:30 વાગ્યે
- 24 નવેમ્બર: ભારત vs UAE, સવારે 11:30 વાગ્યે
- 24 નવેમ્બર: પાકિસ્તાન vs નેપાળ, બપોરે 3:30 વાગ્યે
- 26 નવેમ્બર: પ્રથમ સેમીફાઈનલ, બપોરે 3:30 વાગ્યે
- 27 નવેમ્બર: બીજી સેમીફાઈનલ, બપોરે 3:30 વાગ્યે
29 નવેમ્બર: ફાઇનલ, બપોરે 3:30 વાગ્યે
પાછલી એડિશનમાં ભારત સેમીફાઈનલમાં હારી ગયું
રાઈઝિંગ સ્ટાર એશિયા કપની છેલ્લી એડિશનમાં ઈન્ડિયા Aની શાનદાર શરૂઆત રહી હતી, પરંતુ ટીમ ટાઈટલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી. ભારતે તેની પહેલી મેચમાં UAEને 148 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 297 રન બનાવ્યા. જવાબમાં UAE સાત વિકેટે માત્ર 149 રન જ બનાવી શક્યું. જોકે, બીજી મેચમાં, ઈન્ડિયા Aનો પાકિસ્તાન A સામે આઠ વિકેટથી પરાજય થયો. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ 136 રનમાં સમેટાઈ ગઈ. પાકિસ્તાને માત્ર 13.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. ત્યારબાદ ભારતે ઓમાનને છ વિકેટે હરાવીને વાપસી કરી અને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું
ઈન્ડિયા Aનો સેમીફાઈનલમાં બાંગ્લાદેશ A સામે મુકાબલો થયો. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે છ વિકેટે 194 રન બનાવ્યા. જવાબમાં, ભારતીય ટીમ પણ નિર્ધારિત 20 ઓવરમાં ટાઈ પર પહોંચી ગઈ, ત્યારબાદ સુપર ઓવર દ્વારા મેચનો નિર્ણય લેવામાં આવ્યો. બાંગ્લાદેશે મેચ જીતી ભારતને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.
પાકિસ્તાન A એ પાછલું ટાઇટલ જીત્યું
પાકિસ્તાન A એ છેલ્લી એડિશનમાં ટાઈટલ જીત્યું હતું. ટીમે બીજી સેમીફાઈનલમાં શ્રીલંકા Aને પાંચ રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટાઈટલ મેચમાં પાકિસ્તાન A અને બાંગ્લાદેશ A બંનેએ 125 રન બનાવ્યા, જેના કારણે સુપર ઓવર થયો. પાકિસ્તાને દબાણ હેઠળ સારું પ્રદર્શન કર્યું અને ટ્રોફી જીતી. હવે 2026ની એડિશનમાં ઈન્ડિયા Aને તેના અગાઉના પ્રદર્શનને પાછળ છોડી દેવાનો પડકાર મળશે. 22 નવેમ્બરે પાકિસ્તાન સામેની મેચ ટીમ માટે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ રહેશે. જોકે, ટાઈટલ સુધી પહોંચવા માટે ભારતીય ખેલાડીઓએ ગ્રુપ સ્ટેજ, સેમીફાઈનલ અને ફાઈનલમાં પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.








