એડિલેડ ટેસ્ટ હાર્યા બાદ ટીમમાં સામેલ થશે મોહમ્મદ શમી? રોહિત શર્માએ કહ્યું- 'અમે તેના પર કોઈ દબાણ...'
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની તાકાત વધશે. મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝમ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની તાકાત વધશે. મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં રમતો જોવા મળી શકે છે. એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્માએ શમીને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. શમી આ સિરીઝમાં રમે તેવી સંભાવના છે. તેના માટે દરવાજા ખુલ્લા છે. ગઈકાલના એક અહેવાલ પ્રમાણે શમી ભારત માટે છેલ્લી બે ટેસ્ટ રમતો જોવા મળી શકે છે. તેની કિટ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી છે. માત્ર નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ફિટનેસ સર્ટિફિકેટની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: 'પંતને અમારી ઓફર કરતાં વધુ નાણા...', ગાવસ્કરની વાતને સપોર્ટ કરતા દિલ્હી કેપિટલ્સના દિગ્ગજે કર્યો ખુલાસો
રિપોર્ટ અનુસાર તે બ્રિસબેનમાં આગામી 14 ડિસેમ્બરથી શરૂ થતી ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયા પહોંચી શકે છે, પરંતુ તેમાં રમવું તેના માટે મુશ્કેલ છે. હવે એડિલેડ ટેસ્ટ ખત્મ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતને શમી વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે કહ્યું, 'ચોક્કસ પણે, તેના માટે દરવાજા સંપૂર્ણ રીતે ખુલ્લા છે. અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન તેના ઘૂંટણમાં થોડો સોજો આવ્યો હતો. અમે એવી સ્થિતિ નથી ઈચ્છતા કે તે મેચ દરમિયાન તે ઈજાના કારણે બહાર થઈ જાય.'
રોહિતે વધુમાં કહ્યું, 'અમે ખાતરી કરવા માંગીએ છીએ. અમે તેના પર કોઈ દબાણ લાવવા નથી માંગતા. BCCIની મેડિકલ ટીમ તેમનું મોનિટરિંગ કરી રહી છે. તેઓ જે કહી રહ્યા છે, તેના પર અમે વિચાર કરીશું. અમારે સાવચેત રહેવું પડશે, દરવાજા ખુલ્લા છે.'
NCA મેડિકલ ટીમ તપાસ કરશે
શમી હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ તરફથી રમી રહ્યો છે. તેની ટીમ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે, જે 9 ડિસેમ્બરે રમાશે. આ મેચ બાદ શમી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ બાદ NCA મેડિકલ ટીમના વડા દો. નીતિન પટેલ અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ ટ્રેનર નિશાંત બોરદોલોઈ તેની તપાસ કરશે. આ પછી ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે.
શમી ઈજાના કારણે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. હાલમાં જ તે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી મેદાનમાં પરત ફર્યો હતો.








