રોહિત શર્મા વર્લ્ડ કપમાં સિક્સરોનો મહા રેકોર્ડ તોડવાથી માત્ર આટલા કદમ દૂર, ક્રિસ ગેઈલનો છે પ્રથમ નંબર
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ICC T20 વર્લ્ડ કપ 2024માં જે રીતે બેટિંગ કર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ICC T20 વર્લ્ડ કપ 2024માં જે રીતે બેટિંગ કરી છે તે ગેમ ચેન્જર સાબિત થઈ છે. રોહિતે કેપ્ટન તરીકે બેટિંગથી પણ શાનદાર દેખાવો કર્યો છે. આ T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને ICC T20 વર્લ્ડ કપ 2024માં ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ બે મેચ રમવાની તક મળી શકે છે.
ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જો રોહિત શર્મા આ બે મેચમાં 11 સિક્સર ફટકારશે તો T20 અને ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરશે. હાલમાં આ વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે.
ક્રિસ ગેઈલે T20 અને ODI વર્લ્ડ કપમાં બંનેમાં થઈને 2003થી 2021 ની વચ્ચે કુલ 112 સિક્સર ફટકારી છે, જ્યારે રોહિત શર્માએ 2007થી 2024ની વચ્ચે કુલ 102 સિક્સર ફટકારી છે. ગેલ અને રોહિત એવા બે બેટ્સમેન છે જેમણે વર્લ્ડ કપમાં 100થી વધુ સિક્સર ફટકારી છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે જેણે 2009 થી 2024 વચ્ચે કુલ 81 સિક્સર ફટકારી છે.
વર્લ્ડકપમાં સિક્સર ફટકારવા મામલે ચોથા નંબરે ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ આવે છે. જેણે 2012થી 2024 વચ્ચે 73 સિક્સર ફટકારી છે. પાંચમા નંબર પર દક્ષિણ આફ્રિકાનો એબી ડી વિલિયર્સ છે, જેણે 2007થી 2016 વચ્ચે કુલ 67 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ટોપ-10માં રોહિત શર્મા એકમાત્ર ભારતીય છે જ્યારે વિરાટ કોહલી 12મા નંબર પર છે. વિરાટ કોહલીએ 2011થી 2024 વચ્ચે 46 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ સુપર-8માં ટીમ ઈન્ડિયાની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે આઠ સિક્સર ફટકારી હતી. હાલમાં જે રીતે રોહિત શર્મા ધૂંઆધાર બેટિંગ કરી રહ્યો છે તે જોતાં ગેઈલનો આ શાનદાર રેકોર્ડ તોડી શકે છે.






