IND vs AUS / બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, મેલબર્નમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો રોહિત શર્મા

હવે બોર્ડર-ગાવસ્કર સિરીઝની છેલ્લી બે ટેસ્ટ મેચ બાકી છે. સિરીઝની સાથે આ બંને મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એટલા માટે ટીમ ઈન્ડિયા મેલબર્નમાં રમાનારી ચોથી ટેસ્ટ માટે ઘણો પરસેવો પાડી રહી છે. ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલો ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ નેટ્સમાં સખત મહેનત કરી રહ્યો છે. રવિવાર 22 ડિસેમ્બરે તે ટીમ સાથે બીજા પ્રેક્ટિસ સેશન માટે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. જોકે આ દરમિયાન જ નેટ્સમાં બેટિંગ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થઈ ગયો. તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી.
આ પણ વાંચો: Boxing Day Test / શું હોય છે બોક્સિંગ ડે ટેસ્ટ, ઓસ્ટ્રેલિયા મેલબર્નમાં જ શા માટે રાખે છે આ મેચ?
ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં લીડ મેળવવા માટે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પરસેવો પાડવાનું શરૂ કરી દીધું હતું. જોકે મેચ પહેલા જ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતા ટીમનું ટેન્શન વધી ગયું છે. તેના આગામી મેચમાં રમવાને લઈને પણ આશંકાઓ છે. તેના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી.
થોડીવાર પ્રેક્ટિસ કરવાનો પ્રયાસ કર્યો
ઈજા થવા છતાં ભારતીય કેપ્ટને થોડીવાર બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે પીડા અસહ્ય થઈ ગઈ, ત્યારે તેણે રમવાનું બંધ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ રોહિત આઈસ પેક પહેરીને ખુરશી પર બેઠો જોવા મળ્યો હતો. આ દરમિયાન ટીમના ફિઝિયો પણ તેની સાથે જ હતા. જોકે રિપોર્ટ અનુસાર આ ઈજા બહુ ગંભીર નથી. ઘૂંટણમાં સોજો ન આવે તેની ખાતરી કરવા માટે ફિઝિયો સાવચેતી રાખી રહ્યા છે. આ સિવાય બોક્સિંગ ડે ટેસ્ટમાં હજુ 4 દિવસ બાકી છે. તેથી, તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે તેવી સંભાવના છે.
કેએલ રાહુલ પણ થયો ઈજાગ્રસ્ત
રોહિત શર્મા સિવાય ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયો છે. પ્રેક્ટિસ મેચ દરમિયાન તેના હાથમાં ઈજા થઈ, જ્યારબાદ ફિઝિયોને મેદાનમાં આવવું પડ્યું હતું.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેએલ રાહુલના હાથમાં ઈજા થઈ છે. ફિઝિયો તેની સારવાર કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ભારતીય બેટ્સમેનને તકલીફ થતી પણ જોવા મળી રહી છે. જોકે ઈજાની ગંભીરતા પર કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી અને ટીમે પણ આ અંગે કોઈ નિવેદન જાહેર નથી કર્યું કે તેમણે ફિઝિયોની મદદ શા માટે લીધી.

